સુરતઃ વલસાડ જિલ્લામાં ચોથા દિવસે પણે મેઘરાજાએ જિલ્લાને ધમરોળી નાંખ્યું હતું. વિજળીના કડાકાભડાકા સાથે શરૂ થયેલા અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. મેઘરાજાના રડાર પર ખાસ કરીને ઉમરગામ અને વાપી તાલુકો રહ્યો હતો. ઉમરગામમાં છેલ્લા 48 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતાં બારે મેઘ ખાંગાનો માહોલ સર્જાયો હતો. અહિં જ્યાં જુઓ ત્યાં પાણીપાણી નજરે પડ્યા હતા. જ્યારે વાપીમાં પણ મેઘાની તોફાની બેટિંગ જારી રહેતા છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ઝિંકાયો હતો. ધોધમાર વરસાદથી જિલ્લો તરબોળ બન્યો હતો.
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલત ખરાબ
ચોમાસાની ઋતુનો પ્રારંભ વરસાદી છુટાછવાયાં ઝાપટાં સાથે થયા બાદ વરસાદ ગાયબ થઇ જતાં લોકો ચિંતામાં મૂકાયા હતા. ત્યારબાદ 27 જૂનથી ધીમો વરસાદ શરૂ થયો હતો. જોકે, 28 જૂનથી શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. દરમિયાન જિલ્લામાં અતિભારે વરસાદ પડતાં વલસાડ, વાપી, કપરાડા, ધરમપુર, પારડી અને ઉમરગામ તાલુકામાં ગામો અને નગરમાં જળબંબાકાર થઇ હતા. સોમવારે પણ મેઘરાજાએ જિલ્લાને ધમરોળી નાંખ્યું હતું. 45 કલાકમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 16 ઇંચ વરસાદ ઝિંકાતાં અનેક ઘરોમાં પાણી ભરાઇ જવાના પગલે લોકોની હાલત ખરાબ થઇ ગઇ હતી.
કાંઠા વિસ્તારના લોકો મુશ્કેલીમા મુકાયા
ટીંભી ગામના માછીવાડમા લોકોના ઘરોંમા પાણી ઘુસી જતા રાહીશોની હાલત દયાજનક બની હતી. મહારાષ્ટ્રને જોડતો જરી ખાડીનો પુલ પણ પાણીમા ગરકાવ થયો હતો. સંજાણ નજીક નવા ચેક ડેમથી પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાતા ઉપરવાસના પાણીથી વારોલી ખાડીના કાંઠા વિસ્તારના લોકો મુશ્કેલીમા મુકાયા હતા.ઉમરગામ પંથકમાં જુનિયર સિનિયર શાળાના બાળકોને સ્કૂલમા નહીં લાવવાના સંદેશાઓ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જ્યારે પાલઘરથી ઉમરગામ સુધીના રેલવે સ્ટેશનો ઉપર વરસાદી પાણી ફરિવળતા વિરાર અને વલસાડ વચ્ચે દોડતી શટલ મેમુના સ્ટોપેજમા બદલાવ લાવી શટલ મેમુ અધવચ્ચેથી રવાના કરાઈ હતી. મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર ભારે વરસાદના લીધે ખોરવાયો હતો.મહારષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર ટ્રેક ઉપર પાણી ભરાતા મોટા ભાગની ટ્રેનો મોડી થઈ હતી જ્યારે છ ટ્રેનો રદ કરાઈ હતી.
ઔરંગામાં ડુબેલા ખેડૂતની લાશ બે દિવસ બાદ મળી
સારંગપુર તાડ ફળીયા ખાતે રહેતા 55 વર્ષીય સુમનભાઈ પટેલ મરલા ગામના ખેડૂત ભગુભાઈ પટેલની વાડીનો સબમર્શીબલ પમ્પ ઔરંગા નદીમાં ચોમાસામાં વહેતા પાણીમાં ડૂબી ગઈ હતી.જેને બહાર કાઢવા જતા સુમનભાઈ પટેલે ઔરંગા નદીના વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ મામલતદાર અને રૂરલ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો. દરમિયાન ગત રોજ સુમનભાઈ પટેલની લાશ મળી આવી હતી.
વાપીમાં વરસાદે ગત વર્ષનો રેકર્ડ તોડ્યો
વાપીમાં ગત વર્ષે જૂનમાં 14થી 15 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આ વખતે માત્ર 3 દિવસમાં જ 15 ઈંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનમાં બમણો વરસાદ પડ્યો છે.
રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાયાં
વલસાડમાં રાત્રિ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે રેલવે સ્ટેશનથી ઓવરબ્રિજ સુધીના રેલવે ટ્રેક પર પાણીનો ભરાવો થઇ ગયો હતો.પરિણામે ટ્રેનોની રફતાર ધીમી પડી ગયાં હતા.
સોસાયટીઓમાં પાણી ભરાયા
ચોથા દિવસે પણ વલસાડમાં વરસાદથી અબ્રામા સુધાનગર અને વસનજી પાર્કમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉદભવ્યો હતો.હજી સોસાયટીમાં પાણીનો ભરાવો યથાવત રહેતા રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા.