સપા નેતા અમરસિંહનું સિંગાપોર ખાતે નિધન, ભાવનગર નજીક આવેલ દરેડના જમાઈ હતા

0
4

દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા અમરસિંહનું 64 વર્ષની વયે નિધન થયું છે. ભાવનગર નજીક દરેડના રાજવી પરિવારના જમાઈ હોવાથી અમરસિંહ ગુજરાત સાથે પણ નિકટનો નાતો ધરાવતા હતા.

રાજનેતા તરીકે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા અમરસિંહ કિડનીની બિમારીથી પીડાતા હતા. સિંગાપોર ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી થોડો સમય તેઓ પુનઃ રાજનીતિમાં સક્રિય થયા હતા. પરંતુ ઈન્ફેક્શનને લીધે કિડનીની તકલીફ નવસેરથી શરૂ થયા બાદ તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. કેટલાંક મહિના પહેલાં તેમણે સોશિયલ મીડિયામાં રજૂ કરેલ વીડિયોમાં તેઓ ગંભીર બિમાર હોવાનું વર્તાઈ આવતું હતું.

એક સમયે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નિકટના સાથી મનાતા અમરસિંહને વિવાદો સાથે કાયમી નાતો રહ્યો હતો. અભિનેત્રી બિપાશા બસુ સાથેની તેમની કહેવાતી ઓડિયો ક્લિપ્સે ભારે ચર્ચા જગાવી હતી. અમિતાભ બચ્ચન વિશે અમરસિંહે નારાજગીભર્યા વિધાનો કરવા છતાં અમિતાભ સિંગાપોર ખાતે તેમની ખબર પૂછવા ગયા હતા. એ પછી અમરસિંહે અગાઉના વિધાનો બદલ અમિતાભની માફી માંગી હતી.

અલીગઢમાં જન્મેલા અમરસિંહના પિતાને તાળા બનાવવાનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે પરિવાર કોલકતા સ્થાયી થયો હતો. મધ્યમવર્ગિય પારીવારિક બેકગ્રાઉન્ડ છતાં ભારે ઊંચી મહત્વાકાંક્ષા ધરાવતા અમરસિંહ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરબહાદુર સિંહના સંપર્કમાં આવ્યા પછી આઝમગઢ નજીક સ્થાયી થયા હતા અને મુલાયમસિંહ યાદવના વિશ્વાસુ તરીકે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

એબીસીએલ કંપનીના દેવામાં ફસાયેલ અમિતાભ બચ્ચનને બહાર કાઢવામાં પણ અમરસિંહે ઘણી મદદ કરી હોવાનું અમિતાભે જાહેરમાં સ્વીકાર્યું છે. હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં પ્રભાવ વધારવાનો શોખ ધરાવતા અમરસિંહ ભાવનગર નજીક દરેડના રાજવી પરિવારના જમાઈ હતા. દરેડના રાજમાતા એટલે કે અમરસિંહના સાસુનું અવસાન થયું ત્યારે અમિતાભ અને અનિલ અંબાણી પણ અંતિમવિધિમાં સામેલ થવા દરેડ આવ્યા હતા.

જોકે કિડનીની બિમારીને લીધે લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર થઈ ગયેલા અમરસિંહના આખરી દિવસો એકલતાભર્યા હતા. થોડાં મહિનાઓ અગાઉ તેમણે પોતે રજૂ કરેલા વીડિયોમાં તેમની નાદુરસ્તી સ્પષ્ટ જણાઈ આવતી હતી.