નવી સંસદને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. 19 જેટલા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. 19 મેના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પીએમ નરેન્દ્ર મોદીને આ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ મોકલ્યું હતું, જે બાદ વિપક્ષનો વિરોધ શરુ થયો હતો. વિપક્ષનું કહેવું છે કે પીએમ મોદીના હસ્તે નવી સંસદનું ઉદ્ધાટન થવું લોકશાહીની વિરૃદ્ધ છે અને તેને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી સંસદનું ઉદ્ધાટન કરવું જોઈએ. AIMIAના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને અન્ય વિરોધ પક્ષો તરફથી અલગ નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ નહીં પરંતુ સ્પીકર ઓમ બિરલાએ કરવું જોઈએ. ઓવૈસીએ કહ્યું હતું કે નવી સંસદની જરૂર છે એ વાતથી કોઈ ઇન્કાર ન કરી શકે, કારણ કે હાલના સંસદ ભવનમાં ફાયર વિભાગની એનઓસી નથી.
તેમણે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી બાદ પીએમે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેનો એજન્ડા એક દેશ, એક ચૂંટણીનો હતો. લગભગ બધા જ પક્ષો સંમત થયા. જોકે મેં અને સીતારામ યેચુરીએ તેનો વિરોધ કર્યો હતો. મેં નવી લોકસભા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ વખતે પીએમ મારા પર ખૂબ ગુસ્સે થયા હતા. ઓવૈસીએ કહ્યું કે અમે માત્ર વિરોધ કરી રહ્યા છીએ કે પીએમ નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કેમ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સત્તાને અલગ કરવાની થિયરી બંધારણનો ભાગ છે. જો પીએમ ઉદ્ઘાટન કરશે તો તે બંધારણનું ઉલ્લંઘન ગણાશે. વડા પ્રધાને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ તેનું ઉદ્ઘાટન ન કરવું જોઇએ.