અંબાજી મેળામાં પહેલીવાર વિક્લાંગ વ્યક્તિ અને તેના પરિવારને મા અંબાના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઈ

0
47

વારંવાર પડતાં વરસાદી ઝાપટાંઓ વચ્ચે રવિવારથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે. જે 14 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આ મહામેળાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે અંબાજી બસ સ્ટેશનથી લઈ મંદિરના શક્તિદ્વાર સુધી વોટરપ્રુફ ડોમ બનાવી તેમાં જ રેલિંગની વ્યવસ્થા કરાઇ છે. તો આ વર્ષે પહેલીવાર વિકલાંગ વ્યક્તિને તેમજ તેની સાથે રહેલા પરિવારને મંદિર સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા વિનામૂલ્યે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ગયા વર્ષે માત્ર બાળકો અને વિકલાંગ માટે આ વ્યવસ્થા હતી, પરંતુ પરિવારની વ્યવસ્થા ન હતી જેના લીધે અવ્યવસ્થા સર્જાઇ હતી. જેથી આ વર્ષે વ્યવસ્થામાં સુધારો કરીને પરિવારનો પણ સમાવેશ કરાયો છે.

કલેકટર સંદીપ સાંગલે અને વહીવટદાર સુરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, એસટી સ્ટેન્ડ પર સાંજના 4-30 વાગે દર્શનાર્થીઓની એન્ટ્રી બંધ કરાશે. ચાચરચોકમાં પ્રસાદ માટે ભીડ થતી હોઇ આ વર્ષે કાઉન્ટર વધારાયાં છે. ટેન્ટ સિટીમાં 20 ટેન્ટ ઊભા કરાયા છે, જેમાં એકમાં 3 પલંગ હશે. પગરખા સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ પાસે રખાયું છે. અંબાજીમાં 14 ટાવર ઉભા કરાયાં છે, જેના પરથી ગુનેગાતાથી જે વાહનો અંબાજીમાં પ્રવેશ થાય તે અંબાજી સિવિલમાં વાહનો પાર્ક કરશે. બેઠકમાં કેટલાક તીખા સવાલો વહીવટી તંત્રને કરાયા હતા. જેના અધિકારીઓ જવાબ આપી શક્યા નહોતા. વર્ષોથી યાત્રિકોની સંખ્યા ચોક્કસ આંકડામાં બતાવાય છે, જેને લઇ સવાલ ઉઠતાં યાત્રિકો ગણવાની પદ્ધતિ કઈ છે તેનો ઠોસ જવાબ તંત્ર દ્વારા અપાયો ન હતો. ઉપરાંત, પ્રસાદમાં વેપારીઓ દ્વારા વધુ પૈસા લેવાતા હોવાની રજૂઆત કરાઇ હતી.

દર્શન વ્યવસ્થા
આરતી સવારે- 6.15 થી 6.45
દર્શન સવારે- 6.45 થી 11.30
રાજભોગ- 12.00 કલાકે
દર્શન બપોરે- 12.30 થી 17.00
આરતી સાંજે- 19.00 થી 19.30
દર્શન સાંજે- 19.30 થી 1.30

5000 પોલીસ તૈનાત
યાત્રિકોની સલામતી માટે મેળામાં 1800 પોલીસકર્મી, 2500 હોમગાર્ડ જવાનો, 130 પીએસઆઇ, 20 પીઆઇ સહિત અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયેલા રહેશે.

ભાદરવી મહાકુંભની તૈયારીઓ
– 1100 એસટી બસો દોડાવાશે
– 20 ટેન્ટની ટેન્ટ સિટી ઊભા કરાઇ
– 15 કાયમી સ્ટેન્ડ પદયાત્રીના આરામ માટે
– 20 હંગામી શેડ પદયાત્રી માટે બનાવાયાં
– 121 સીસીટીવી કેમેરા સુરક્ષા માટે લગાવાયાં
– 44 LED-LCD પર મેળાનું જીવંત પ્રસારણ
– 5000 સુરક્ષા કર્મીઓ મેળામાં તૈનાત

ત્રણ સ્થળે વિનામૂલ્યે ભોજન
1.દિવાળીબા ધર્મશાળા, દાંતા રોડ.
2.ગબ્બર તળેટી ખાતે હંગામી ભોજનાલય.
3.અંબિકા ભોજનાલય, બસ સ્ટેન્ડ પાસે.

શૌચાલયની વ્યવસ્થા
ગબ્બર સર્કલ પાસે, ગબ્બર મંદિર નીચે, શક્તિદ્વારની સામે, બીકે સર્કલ પર પોલીસ કંટ્રોલ નજીક, મંદિર પાછળ માનસરોવર પાસે અને કોટેશ્વર રોડ.