આજથી ગુજરાતીઓના વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શરૂઆત થઈ છે. નૂતન વર્ષ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં માતા દર્શન માટે પહોંચ્યા છે. ત્યારે અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભક્તો મોટી સખ્યામાં મા અંબાના દર્શને પહોંચ્યા
વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સખ્યામાં મા અંબાના દર્શને પહોંચ્યા હતા. મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતા. માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગત રાત્રે મા અંબાના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગરબા રમ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
શનિવારે (બીજી નવેમ્બર) કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00થી 6:30 વાગ્યે રહેશે. દર્શનનો સમય સવારે 6:30થી 11:30 વાગ્યેનો રહેશે, રાજભોગ બપોરે-12:00 વાગ્યે, બપોરે દર્શન 12:30થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
રવિવારે (ત્રીજી નવેમ્બર) કારતક સુદ બીજથી છઠ્ઠી નવેમ્બર કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 06:30થી 07:00 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 07:00થી 11:30નો રહેશે, રાજભોગ બપોરે-12:00 વાગ્યે, બપોરે દર્શન 12:30થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30થી 07:00 વાગ્યે તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
જ્યારે સાતમી નવેમ્બરથી આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે, રાજભોગ બપોરે-12:00 કલાકે, બપોરે દર્શન 12:30થી 04:15 રહેશે,સાંજે આરતીનો સમય 06:30થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યાથી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.