વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરતા ખાસ IAS એ.કે. શર્મા નિવૃત્ત

0
5

ગુજરાત કેડરના સિનિયર IAS અધિકારી એ.કે શર્માએ સ્વૈચ્છાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કેડરના 1988 બેચના આ અધિકારી છેલ્લા 6 વર્ષથી ભારત સરકારના ડેપ્યુટેશન ઉપર હતા અને છેલ્લે તેઓ કેન્દ્રીય માઇક્રો-સ્મોલ-મીડિયમ એન્ટરપ્રાઇઝીઝ MSME મંત્રાલયના સચિવ પદે હતા, જેમને દસ દિવસ પહેલાં જ ટેક્સ્ટાઇલ સચિવ પદનો વધારાનો કામચલાઉ ચાર્જ સોંપાયો હતો.કેન્દ્ર સરકારે આ અંગેનો ગેઝેટ પણ પાડી દીધો છે અને 11 જાન્યુઆરી 2021 બાદ તેમની સ્વૈચ્છિક નિવૃત્તીનું રાજીનામું મંજૂર કરી દીધુ છે.

અરવિંદ કુમાર વડાપ્રધાન મોદી સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યાં છે

ગુજરાત કેડરના IAS અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રિટાયર IAS અધિકારી અરવિંદ કુમાર શર્મા PMOમાં તેમની સાથે ફરજ બજાવતા હતા. વડાપ્રદાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરવિંદ કુમારે સચિવ તરીકે ફરજ બજાવી હતી. ખાસ કરીને અરવિંદ કુમાર વડાપ્રધાન મોદી સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યાં છે. તેમણે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા વાઈબ્રન્ટ ગુજરાતને પણ સફળ બનાવ્યો હતો. શર્મા મૂળરૂપે ઉત્તર પ્રદેશના મઉના કાજાખુર્દના રહેવાસી છે. CMOમાં હતાં ત્યારે અન્ય અધિકારીઓ સાથે તેમનો વ્યવહાર ખૂબ સારો હતો.

ગત 30 એપ્રિલે MSME મંત્રાલયના સચિવ પદે બદલી કરાઈ હતી

6 વર્ષ સુધી PMOમાં રહ્યા બાદ તેમની ગત 30 એપ્રિલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીઝના સચિવ પદે બદલી કરવામાં આવી હતી. આ બદલી કર્યાના 9 મહિના બાદ IAS અરવિંદ શર્માએ અચાનક સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા ગુજરાત IAS અધિકારીઓમાં અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. એ.કે.શર્માની સેવા નિવૃત્તિ આડે હજી દોઢ વર્ષનો સમય બાકી હતો. સામાન્ય સંજોગોમાં સ્વૈચ્છિક રાજીનામું એક-બે મહિનાની નોટિસથી અપાતું હોય છે, પરંતુ મોદી સરકારના માનીતા અને અતિવિશ્વાસુ ગણાતા આ અધિકારીનું સ્વૈચ્છિક રાજીનામું તૂર્ત જ મંજૂર કરી દેવામાં આવ્યું છે જેને લઈને એમને કોઈ મોટું એસાઇન્મેન્ટ મળવાની ચર્ચા ઉચ્ચ અધિકારીઓમાં થઈ રહી છે.

રાજકારણમાં જોડાવાની ચર્ચાઓ તેજ

આ મુદ્દે ભાજપના સુત્રોનું એવું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં બે બે નાયબ મુખ્યમંત્રી છે, આમ છતા હજુ જોઇએ તેવું પરિણામ મળતું ન હોવાનું કેન્દ્રિય મોવડી મંડળનું માનવું છે. આથી ચોક્કસ મિશન સાથે એ.કે.શર્માને ઉત્તર પ્રદેશની રાજનિતીમાં ઉતારવામાં આવશે. હાલમાં પ્રાથમિક તબક્કે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શકયતા છે. શર્મા મૂળરૂપે ઉત્તર પ્રદેશના મઉના કાજાખુર્દના રહેવાસી છે. યુપીમાં કેશવ પ્રસાદ મોર્ય અને ર્ડા. દિનેશ શર્મા એમ બે નાયબ મુખ્યમંત્રી છે અને બંન્ને ભાજપના જ છે. આમછતા એે.કે.શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવશે તેવું ટોચના સુત્રોનું કહેવું છે. હવે એ.કે.શર્માને ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવશે કે પછી હાલમાં જે 2 નાયબ મુખ્યમંત્રી છે તેમાંથી એકને હટાવશે કે શું કરશે તે પ્રશ્નનો જવાબ ભાજપના નેતાઓ પણ શોધી રહ્યા છે.