ગુજરાતમાં વાહનોની બેફામ રફતારનો કહેર યથાવત રહ્યો છે. વડોદરા હિટ એન્ડ રનની ઘટના બાદ દમણમાં પણ બેફામ રફતારનો કેર જોવા મળ્યો છે. જ્યા બેફામ કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.
અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી
દમણમાં ખારીવાડ વિસ્તારમાં શનિવારે (15મી માર્ચ) નબીરાએ કાર બેફામ હંકારીને બે વાહનને ટક્કર મારી હતી. જેમાં બે વ્યક્તિને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.