શ્રીકાન્તે સૌરવ ગાંગુલીની સરખામણી મહાન ક્લાઇવ લોઇડ સાથે કરી, વખાણ કરતાં કહી આ વાત

0
4

1983માં ભારતની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ઓપનર તરીકે આવીને આક્રમક બેટિંગ કરનારા ક્રિકેટર કે. શ્રીકાન્તે ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની સરખામણી વેસ્ટ ઇન્ડિઝના મહાન કેપ્ટન ક્લાઇવ લોઇડ સાથે કરી છે. શ્રીકાન્ત એમ કહે છે કે સૌરવ ગાંગુલી તેની કરિયરના પ્રારંભથી જ ટીમના કેપ્ટન બનવાના લક્ષણો ધરાવતો હતો. આમ ગાંગુલીને જન્મજાત કેપ્ટન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

ગાંગુલીએ ભારતીય ટીમ માટે આ ભરોસો અપાવ્યો

શ્રીકાન્તે જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલીએ શરૂઆતથી જ અન્ય ખેલાડીઓનું સમર્થન કર્યું હતું અને  ભારતીય ટીમ વિદેશમાં પણ સફળ થાય તે માટેનો પાયો નાખ્યો હતો. ગાંગુલી અત્યંત સક્રિય હતો. તે ટીમના કોમ્બિનેશનની કાબેલિયત ધરાવતો હતો. જે રીતે 1976માં ક્લાઇવ લોઇડે વેસ્ટ ઇન્ડિઝની ટીમનું ઘડતર કર્યું હતું તેવી જ રીતે ગાંગુલીએ ભારતીય ટીમનું સંયોજન કર્યું હતું. ગાંગુલી વિદેશી ધરતી પર પણ સફળ રહ્યો હતો. તેણે ભારતીય ટીમ વિદેશમાં પણ જીતી શકે છે તેવો ભરોસો અપાવ્યો હતો.

ભૂતપૂર્વ ક્રિકેટરે શ્રીકાન્તની પ્રશંસા કરી

બીજી તરફ ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને શ્રીકાન્તની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે શ્રીકાન્તમાં મહાન કેપ્ટન બનવાના તમામ ગુણો હતા. હકીકતમાં સચિન તેંડુલકરે શ્રીકાન્તની આગેવાની હેઠળ જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. શ્રીકાન્ત એવા પ્રથમ સુકાની હતા જેની કપ્તાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાનમાં હાર્યા વિના પરત ફરી હતી. અગાઉના તમામ પ્રવાસમાં પાકિસ્તાન સામે ભારતનો પરાજય થતો હતો પરંતુ 1989માં ઇમરાન ખાનની પાકિસ્તાની ટીમ સામે ભારતે ચાર ટેસ્ટની સિરીઝ ડ્રો કરાવી હતી.