રાહુલની પસંદગી સામે શ્રીકાન્તે સંજય માંજરેકરને ટપાર્યો, કહ્યું- મુંબઈથી આગળ પણ વિચારો

0
9

આઇપીએલ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી છે અને આ માટેની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકે લોકેશ રાહુલની પસંદગી કરવામાં આવી છે તેની સામે ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે વિરોધ પ્રદર્શિત કર્યો છે. આઇપીએલમાં હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહેલા રાહુલને વન-ડે અને ટી20 ટીમમાં સ્થાન અપાયું છે અને ટેસ્ટ ટીમમાં પણ તેનું પુનરાગમન થયું છે.

સંજય માંજરેકરે જણાવ્યું હતું કે આઇપીએલના પ્રદર્શનને આધારે ભારતની ટેસ્ટ ટીમની પસંદગી કરવી ખોટું ઉદાહરણ રજૂ કરે છે. આમ થતાં રણજી ટ્રોફીમાં સારો દેખાવ કરનારા ખેલાડી નિરાશ થાય છે. માંજરેકરની આ વાત બાદ ભારતના અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર અને પોતાના આખાબોલા સ્વભાવ માટે જાણીતા ક્રિષ્ણામાચારી શ્રીકાન્તે જણાવ્યું હતું કે માંજરેકરનું કામ સવાલો કરવાનું છે એટલે તેને એકલો મૂકી દો. રાહુલની ટેસ્ટ ટીમમાં પસંદગી સામે સવાલ કરવાનો હોય ? તેણે ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરેલો છે.હું આ બાબત સાથે સહમત નથી. માત્ર એટલા માટે કે સંજય કોઈ પણ ચીજ સામે સવાલ પેદા કરતો રહે છે. મને નથી લાગતું કે મારે તેની સાથે સહમત થવું જોઇએ.

શ્રીકાન્તે જણાવ્યું હતું કે તમારે કોઈ બાબત સામે એટલા માટે સવાલ કરવા જોઇએ નહીં જેથી કોઈ વિવાદ પેદા થાય નહીં. રાહુલે ત્રણેય ફોર્મેટમાં સારી રમત દાખવી છે અને તેનો રેકોર્ડ જોઈ શકો છો. તે ટેસ્ટમાં પણ સારી બેટિંગ કરે છે. 36 ટેસ્ટ રમીને રાહુલે 2000થી વધારે રન કર્યા છે જેમાં પાંચ સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે.

મંજરેકર સામે પ્રહાર કરતાં શ્રીકાન્તે જણાવ્યું હતું કે સંજય જે કાંઈ કહી રહ્યો છે તે બકવાસ છે. રાહુલના પ્રદર્શનમાં કદાચ સાતત્ય નહીં હોય પણ તેણે ઓસ્ટ્રેલિયામાં જ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને સદી પણ ફટકારી હતી. તે ઝડપી બોલિંગ સામે સારી રીતે બેટિંગ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here