SRP બંદોબસ્ત બાદ મ્યુનિસિપલની ટીમે આજે ૧૦ ગાયો પકડી, રોજ 100નો ટાર્ગેટ

0
128

શહેરમાં રખડતી ગાયનો ત્રાસ વધ્યો હોઇ નાગરિકોમાં ભય પ્રસર્યો છે. પૂર્વ અમદાવાદમાં એક જ અઠવાડિયામાં રખડતી ગાયની અડફેટમાં આવવાની બે ઘટનાઓ બની છે, જેમાં એક વૃદ્ધનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તો એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં, જેના કારણે ગઇ કાલે તંત્ર દ્વારા શહેરમાં રખડતી ગાય પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી, જે દરમિયાન ઓઢવ વિસ્તારમાં તંત્ર અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જોકે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવ્યા બાદથી એસઆરપી ચૂંટણી બંદોબસ્તમાં ફાળવતાં આ ઝુંબેશ મંદ પડી છે, જે આગામી તા.ર૩ મેની મતગણતરી બાદ આચારસંહિતા ઊઠી જવાથી ફરી વેગ પકડશે.

ગઇ કાલે મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા પશુપાલકો દ્વારા છોડાયેલી ર૭ ગાય સહિતનાં ૧પર રખડતાં ઢોરને પકડીને ઢોરવાડાના હવાલે કરાયાં હતાં. આજે સવારે પણ ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા ચાંદખેડા અને ઇસનપુરમાં સ્થાનિક પોલીસની મદદ લઇને રખડતી ગાય પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ માટે તંત્ર દ્વારા કુલ ચાર ટીમ મોકલાઇ છે, એક ટીમમાં રપ કર્મચારીઓનો કાફલો છે. જાણવા મળ્યા મુજબ તંત્ર ૧૦ ગાય પકડી છે.

ગત ઓગસ્ટ-ર૦૧૭માં સત્તાવાળાઓએ રખડતી ગાયના ત્રાસના મામલે હાઇકોર્ટે લાલ આંખ કરતાં શહેરભરમાં ઢોર પકડવાની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. તે વખતે તંત્રે ‘ઓપરેશન રાઉન્ડ ધી ક્લોક’ની જાહેરાત કરીને દૈનિક ૧૦૦ ગાયને પકડીને ઢોરવાડામાં પૂરવાનો લક્ષ્યાંક નક્કી કર્યાે હતો, જેના કારણે પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

છેલ્લા અઢી વર્ષમાં એટલે કે ગત વર્ષ ર૦૧૭-૧૮થી ગત તા.૧૬ એપ્રિલ, ર૦૧૯ સુધી તંત્ર દ્વારા કુલ ૩૩,પપ૪ ગાયને પકડીને ઢોરવાડામાં પુરાઇ હતી. આ ઉપરાંત પશુપાલકો પાસેથી રૂ.ર.પર કરોડ દંડ પેટે વસૂલાયા હતા.તંત્રની ગાય પકડવાની ઝુંબેશ હેઠળ આગામી તા.ર૩ મે બાદ મળનાર એસઆરપી બંદોબસ્તથી દરરોજ ૧૦૦ ગાય પકડાશે, જે હાલમાં માંડ ૪૦ ગાય પકડાઇ રહી છે. એસઆરપી બંદોબસ્ત મળ્યા બાદ સત્તાવાળાઓ ગાય પકડવા માટે કુલ દશ ટીમ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here