રાજ્યમાં 20 કોલસા વેપારીઓ પર સ્ટેટ GSTએ દરોડા પાડ્યા

0
22

અમદાવાદ : જીએસટી વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં કોલસાના ૨૦ વેપારી પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ વેપારીની તપાસ હજુ ચાલુ છે. ચાર વેપારી પાસેથી રૂા.૧૭.૫ લાખની ટેક્સ ચોરી પકડાઈ હતી, જેની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી. કોલસા પર સેસ ભરવામાં આવે છે કે નહીં તે ચકાસવા માટે આ સમગ્ર કવાયત હાથ ધરાઈ હતી.

સ્ટેટ જીએસટી વિભાગે આજે તહેવારો પછી આવી ગયેલી સુસ્તી ઉડાડી હતી. વિવિધ ટીમોએ કેશોદના છ, ગાંધીધામના ચાર, જામનગરના બે, રાજકોટના એક, વાંકાનેરના બે, મોરબીના બે, ધોરાજીના એક અને ગોંડલના બે વેપારી પર દરોડા પાડયા હતા. આ વેપારીઓ કોલસા તથા બાયો ફ્યુઅલ બ્રિકેટ્સ વેચવાનું કામ કરે છે. તેમને એક ટન પર રૂા.૪૦૦ સેસ ભરવાની હોય છે. સેસ પર ટેક્સ લાગતો નથી. તે દરેક સ્તર પર ટન દીઠ રૂા.૪૦૦ જ રહે છે.

તે ભરવામાં તથા જીએસટી ભરવામાં કસૂર કરનારા વેપારીઓ આજે દંડાયા હતા. મોરબી અને જૂનાગઢના મળીને વિવિધ સેન્ટરના ચાર વેપારી પાસેથી મળીને રૂા.૧૭.૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. તેમાં ટેક્સ, સેસ ઉપરાંત વ્યાજ અને દંડનો પણ સમાવેશ થાય છે. ગાંધીધામના ત્રણ, કેશોદના એક તથા જામનગરના એક વેપારી સામે જીએસટીની તપાસ ચાલું છે. તેમની પાસેથી પણ લાખો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવી શકે છે.

સૌરાષ્ટ્રમાં જીએસટી વિભાગના અધિકારીઓ સામટા ૨૦ વેપારી પર ત્રાટકતા કરચોરો ભયભીત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોલસા પર પાંચ ટકા જીએસટી લાગે છે. જીએસટીમાં સરકારને ધારી આવક થઈ રહી નથી ત્યારે આગામી દિવસોમાં અન્ય કરચોરો સામે પણ તપાસ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here