રાજ્યના પોલીસ- DGPનો દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડ કરવાનો આદેશ

0
65

રાજ્યના પોલીસના મેળાપીણા વગર રાજ્યમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બુટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની રમત વર્ષોથી રમી રહ્યા છે આ રમતમાં માત્ર સ્થાનિક અને બુટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં હેસીયત પ્રમાણેની રમત રમે છે, તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા માટે ડિપાર્ટમેન્ટ કમિટી મળી રહી હોવાને કારણે સ્ટેટ મોનિટરિંગ સેલને અલિખીત આદેશ મળ્યો હતો કે રેડ ઉપર બ્રેક મારવી પણ હવે પ્રમોશનની કામગીરી પૂર્ણ થતા હવે સ્ટેટ મોનિટરિંગ સેલને ક્રોસ રેડ કરવાનો આદેશ આપ્યો છે.

આપણે ત્યાં લાંચ રૂશ્વત બ્યૂરો જેવી જ હાલત સ્ટેટ મોનિટરિંગ સેલની છે. આ એજન્સીમાં કામ કરતા નાના પોલીસ અધિકારીથી લઈ મોટા અધિકારીઓને ખબર છે કે આપણી અહિયાથી બદલી થયા બાદ આપણે પાછા ખાખી કપડા પહેરી પોલીસની કામગીરી કરવાની છે, જેના કારણે આ એજન્સીઓ પાસે જ્યારે પોલીસ વિરુદ્ધની ફરિયાદ મળે ત્યારે કોઈને ભલામણ અથવા આદેશ ના હોય તો પણ તેમના હાથ ઠંડા પડી જાય છે. કારણ તેમણે પોતાના વિભાગના અધિકારી વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની હોય છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં કામ કરવુ મોભાદાર ગણાય છે તેવુ ACBમાં નથી, ACBમાં સારા અધિકારીઓ નોકરી કરવા આવે તે માટે સિનિયર અધિકારીઓ ખાસ્સી મહેનત કરવી પડતી હોય છે.

પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોતાને તક મળે તે માટે કોન્સ્ટેબલથી લઈ સિનિયર અધિકારીઓ પોતાની હેસીયત અને વગ પ્રમાણે જે કઈ થઈ શકે તે કરી સેલમાં સ્થાન મેળવે છે. એટલે સ્વભાવીક મોનિટરિંગ સેલમાં તક મળ્યા પછી તે મેળવવા માટે જે કઈ કર્યુ છે તેનો હિસાબ માંડવો પડે. બીજી તકલીફ એવી છે કે સેલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને પોતાના જિલ્લા અને વિસ્તારના પોલીસ અધિકારીઓ પણ ઓળખતા હોય છે, જેના કારણે ઘણી વખત સેલના દરોડાને કારણે તેમને નુકશાન થાય તેવુ હોય ત્યારે તેઓ રેડ કરતા રહેલા અગાઉથી જાણ કરી ધંધા બંધ કરાવી દેતા હોય છે, કારણ મોનિટરિંગ સેલમાં સાહેબ બદલાય એટલે આખો સ્ટાફ બદલાઈ જતો હોય છે અને દરેક નવા સાહેબ પોતાના વફાદારો સાથે લઈ આવતા હોય છે.

જ્યારે સાહેબની બદલી થાય એટલે પોતાની પણ થવાની અને ત્યાર બાદ પોતાના મૂળ જિલ્લામાં પરત જવાનું થાય ત્યારે નુકશાન સહન કરનાર જિલ્લાનો અધિકારી કિન્નાખોરી રાખે તેવો ડર પણ હોય છે. આમ આ પ્રકારના અનેક કારણસર મોનિટરિંગ સેલ અસરકારક કામગીરી કરી શકતો નથી. હાલમાં મોનિટરિંગ સેલના અધિકારીઓને પૂર્વ-પશ્ચિમ- ઉત્તર-દક્ષિણ તેમ ચાર ભાગમાં ઝોન પાડી કામગીરી સોંપવામાં આવી છે, આમ સેલના અધિકારીએ પોતના ઝોનમાં કામગીરી કરવાની હતી, પણ ઝોન પ્રથાને કારણે અસરકારક કામ કરી થતાં DGP દ્વારા સેલને આદેશ આપવામાં આવ્યો કે તેમણે પોતાના ઝોન સિવાય બીજા ઝોનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર દરોડા પાડવાને છે. આમ હવે પૂર્વ ઝોનનો અધિકારી ઉત્તરમાં દરોડા પાડે અને ઉત્તરનો અધિકારી પશ્ચિમ ઝોનમાં દરોડા પાડવા લાગ્યા છે. જો કે તેના કારણે ઘણા અધિકારીઓની સમીકરણ બગ઼ડી ગયા છે જો કે આ પ્રથાનો તોડ પણ બહુ જલદી મળી જશે કારણ આપણને વિપરીત સ્થિતિને અનુકુળ બનાવતા સારી રીતે આવડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here