રાજકોટમાં સ્ટેશનરીની દુકાનો આજથી 8થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, જામનગરનું ગ્રેન માર્કેટ 30મી સુધી અડધો દિવસ ખુલ્લું રહેશે

0
3

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર-ઉદ્યોગ બંધ ન કરવા નિર્ણય કરતાં હવે દરેક એસોસિયેશન પોતાની રીતે દુકાનો ખોલવાનો અને બંધ કરવાનો નિર્ણય કરી રહ્યા છે. રાજકોટના સ્ટેશનરીના 30 જેટલા વેપારી કોરોનાનો ભોગ બનતાં આજથી 10 દિવસ સુધી દુકાનો ખોલવાનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ, જામનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતાં ગ્રેન માર્કેટ આજથી 30 તારીખ સુધી અડધો દિવસ ખુલ્લું રહેશે.

10 દિવસ સુધી સ્ટેશનરીની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

કોરોનાની મહામારીનો વેપારીઓ ભોગ બનતા હોવાથી ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મર્ચન્ટ્સ એસોસિયેશને આગામી 10 દિવસ સુધી દુકાનો ખોલવાનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યાનો રાખવાનો નિર્ણય કર્યો છે. ધી સ્ટેશનરી પેપર એન્ડ બુક્સ મર્ચન્ટ્સ એસોસિયેશનના મંત્રી જિજ્ઞેશ શેઠે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કેસ વધી રહ્યા છે અને અમારા સ્ટેશનરીના 30 જેટલા વેપારી તથા તેના પરિવારજનો એનો શિકાર બની ગયા છે. ત્યારે હાલમાં આ મહિનો તકેદારી રાખવી જરૂરી હોવાથી આજથી 26 સુધી દુકાનો સવારે 8થી સાંજે 5 સુધી સ્વૈચ્છિક રીતે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. આથી આજથી 10 દિવસ સુધી 450 જેટલી દુકાન સાંજે 5 સુધી ખુલ્લી રહેશે.

જામનગરનું ગ્રેન માર્કેટ 30મી સુધી અડધો દિવસ ખુલ્લું રહેશે

જામનગરમાં કોરોના સંક્રમણ વધતાં ગ્રેન માર્કેટ આજથી 30 તારીખ સુધી સવારે 8થી બપોરે 2 સુધી જ ખુલ્લું રહેશે. એસોસિયેશનની કારોબારીમાં ગ્રેન માર્કેટનાં કામકાજના સમયમાં ફેરફારનું નક્કી કરાયું છે. વેપારીઓ માલ ગમે તે સમયે ઉતારી શકશે, પરંતુ બપોરે 2 પછી વેચાણ કે ડિલિવરી કરાશે નહીં.