બાળક માસુમ હોય છે પણ તેની નિર્દોષ મસ્તી ત્રાસનું કારણ બની રહે એને સમજુ વડીલો ડામ આપવા સુધીની જઘન્ય હરકત કરે તેવો સમાજને હચમચાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારની ઓરમાન માતા અને નાના-નાનીએ છ વર્ષના બાળકને તોફાન કરતો હોવાથી ત્રાસ આપ્યાંની ફરિયાદ દાદાએ નોંધાવી છે.
વર્ષ 2021માં પતિ-પત્નીએ છૂટાછેડા લીધા
શાહીબાગ વિસ્તારમાં રહેતા અશોકભાઈ નિવૃત્ત જીવનગાળે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પુત્ર નિકુંજના લગ્ન નિકોલમાં રહેતી નિકિતા સાથે થયા હતા અને એક પુત્ર કવન અવતર્યો હતો. વર્ષ 2021માં નિકુંજે પત્ની નિકિતાને છૂટાછેડા આપ્યા હતા.
પુત્રના ભરણપોષણ અને ઉછેરની જવાબદારી લીધી
નિકુંજને સોલા, સાયન્સ સિટીના વિરાટ એલીગન્સમાં રહેતી આશ્લેષા મનસુખભાઈ પટેલ સાથે પ્રેમસંબંધ થયો હતો. તા. 27/07/2021ના રોજ નિકિતાને છૂટાછેટા આપ્યા બાદ નિકુંજે પુત્ર કવનના ભરણપોષણ અને ઉછેરની જવાબદારી લીધી હતી. નિકુંજ તેના પુત્ર કવન સાથે મે-2021થી આશ્લેષા, તેના પિતા મનસુખભાઈ પટેલ અને માતા કુંદનબહેન સાથે સાયન્સ સિટી રોડ ઉપર વિરાટ એલીગન્સમાં રહેતા હતા.
દાદાએ બાળકને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી
અશોકભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 17/02/2024ના સાંજે બહાર કામ પતાવીને શાહીબાગની મીરા પાર્ક સોસાયટીના ઘરે આવ્યા ત્યારે પુત્ર નિકુંજની નવી પત્ની આશ્લેષા, તેના માતા કુંદનબહેન પૌત્ર કવનને લઈને ઉભા હતા. કવન સાથે કપડાંનો થેલો અને સ્કૂલબેગ હતી. કુંદનબહેને કવનને અશોકભાઈ તરફ મોકલીને કહી દીધું હતું કે, જા તારા દાદાના ઘરે. આટલી વાત કરી કુંદનબહેન જતાં રહ્યાં હતાં. રાત્રે છ વર્ષનો કવન ત્રણથી ચાર વખત ચીસો પાડીને ઝબકીને જાગી ગયો હતો. સ્થળ બદલાયું હશે એટલે કવન જાગી જતો હશે તેમ અશોકભાઈએ માની લીધું હતું.
સાવકી માતાએ વટાવી ક્રુરતાની હદ
પરંતુ, સવારે પૌત્ર કવનને નવડાવવા લઈ ગયાં ત્યારે બાળકના ગુપ્તાંગમાં ઈજાના બે મોટા નિશાન જોયાં હતાં. અશોકભાઈએ પુછ્યું ત્યારે કવન ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યો હતો અને કહ્યું હતું કે, કુંદનબાએ રોટલી બનાવવાનો ચિપિયો ગરમ કરીને ડામ આપ્યાં છે અને દવા પણ કરાવી નથી. કવનને કુંદનબા કોઈને કોઈ બહાને માર મારતા હતા. નવી મમ્મી આસુમાસી (આશ્લેષા)એ પણ ના પાડવા કવન નવરાત્રીમાં સોસાયટીમાં જમવા બેસી જતાં માર માર્યો હતો.