ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સીરિઝ : પહેલી ટેસ્ટમાં સ્ટોક્સ કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે.

0
5

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સાઉથહેમ્પટનમાં 8 જુલાઈથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થતી પહેલી ટેસ્ટમાં કપ્તાની કરશે. ઇંગ્લેન્ડની ટીમનો નિયમિત કેપ્ટન જો રૂટ પહેલી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. રૂટની પત્ની કેરી બીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે. આ સમય દરમિયાન રૂટ તેની સાથે રહેવા માંગે છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ તેને મંજૂરી આપી દીધી છે. રૂટ જ્યારે ટીમમાં પાછો ફરશે ત્યારે કોવિડ -19 ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે.

મેચ જીતવા પર ફોકસ

સ્ટોક્સે એક મુલાકાતમાં કહ્યું- ઇંગ્લેન્ડની ટીમની કપ્તાની કરવી સરળ નથી. પરંતુ, આ તક મળવી મારા માટે ગર્વની વાત છે. મારો ધ્યેય કદી કેપ્ટન બનવાનો નહોતો. હું ફક્ત મેચ જીતવા માંગું છું. આ મારા માટે સન્માન છે. હું ફક્ત એક મેચમાં કપ્તાની કરી રહ્યો છું કારણ કે આ સમય દરમિયાન રૂટ ઉપલબ્ધ હશે નહીં.

પહેલીવાર કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે

સ્ટોક્સ પ્રથમ વખત કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ જાતિવાદ સામે અવાજ ઉઠાવવા માટે ‘બ્લેક લાઇવ્સ મેટર’ના લોગો વાળી ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઉતરશે. સ્ટોક્સે કહ્યું કે અમે આ અંગે વિન્ડિઝ કેપ્ટન જેસન હોલ્ડર સાથે વાત કરી રહ્યા છીએ.

રુટે પણ સ્ટોક્સને ટેકો આપ્યો

ઇંગ્લેન્ડની ટીમનો નિયમિત કેપ્ટન જો રૂટ પણ સ્ટોક્સની કપ્તાનીનું સમર્થન કરી ચુક્યો છે. તેણે કહ્યું કે સ્ટોક્સની સૌથી મોટી વિશેષતા એ છે કે તે લીડર તરીકે એક દાખલો બેસાડે છે. તે ખેલાડી પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવતા જાણે છે. ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓ સાથે તેના સંબંધો અને વ્યવહાર સારો છે.

સ્ટોક્સ પાસે ઇન્ટરનેશનલમાં કપ્તાનીનો કોઈ અનુભવ નથી. આ તેનું કેપ્ટનશિપ ડેબ્યૂ છે. ડરહમ એકેડમીમાં તેણે ત્રણ મેચમાં કપ્તાની કરી હતી.