ભરૂચ: ભરૂચના કોલેજ રોડ પર આવેલાં ખેતલાઆપા ટી સ્ટોલ પાસે આવેલી દર્શન સોસાયટીમાં એક મકાનની સામે લઘુશંકા કરવા બાબતે બે જૂથો વચ્ચે ધિંગાણું થતાં 5થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. છુટાહાથે મારામારી અને પત્થરમારાના પગલે વિસ્તારમાં એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું. સી ડીવીઝન પોલીસે સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડયો હતો. બંને જૂથના ટોળાને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. એક પક્ષે તેમના ઘર પાસે લઘુશંકા કરનારા યુવાનોને ટોકતાં તેઓએ હંગામો મચાવ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય પક્ષે તેમની ફરિયાદમાં વિસ્તારમાં રહેતાં શખ્સ અને તેના પરિવારે નજીવા મુદ્દે ઝઘડો કરી માર માર્યો હોવાની કેફિયત રજૂ કરી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ભોલાવ રોડ પર આવેલાં એસટી ડેપોની સામે આવેલી દર્શન સોસાયટીમાં રહેતાં ચંદ્રકાન્ત ઉર્ફે દિનેશ પ્રભુભાઇ આહિર રેતી-કપચી અને સિમેન્ટ સપ્લાયનો વ્યવસાય કરે છે. તેઓ રાત્રીના સમે તેમના ઘરે હતાં. તે વેળાં ખેટલાઆપા ટી સ્ટોલની બાજુમાં આવેલી બાવાજી ટી સ્ટોલ પરના કેટલાક યુવાનો પૈકી બે યુવાનોને તેમના ઘરની કાચી દિવાલ પર લઘુશંકા કરતાં જોઇ જતાં તેમણે તેમને ટોક્યાં હતાં. દરમિયાનમાં તેઓ બન્ને યુવાનો તેમના પરીચિત એવા વિવેક તથા હિમાંશુ હોવાનું જણાતાં તેમણે તેઓ બન્નેને ઘરની દિવાલ પર લઘુશંકા કરવા બાબતે ટોકતાં તેમનું ઉપરાણું લઇ અન્ય યુવાનોને દોડી આવી તમની સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં.
દરમિયાન તેમના મિત્ર કૃણાલસિંહ તેમજ અન્ય બે શખ્સો પણ ત્યાં આવી જતાં તેઓએ પણ બોલાચાલી કરી ત્યાંથી જતાં રહ્યાં હતાં. બાદમાં કૃણાલના પિતા વિઠ્ઠલભાઇ તેમજ તેમના અન્ય ત્રણ મિત્રોએ તેમની પાસે આવી સમાધાન કર્યું હતું. જોકે રાત્રીના નવ વાગ્યાના અરસામાં કૃણાલ, વિવેક, ધવલ તેમજ હિમાંશુ તેમના ઘર પાસે આવી ધાકધમકીઓ આપવા લાગ્યાં હતાં. દિનેશભાઇ અને તેમના પરિવારજનો બહાર નિકળતાં તેઓએ તેમને તેમજ તેમના પિતરાઇભાઇ રાજૂ આહિર તેમજ ફોઇ મણીબેન મનુભાઇ આહિરને માર માર્યો હતો. દરમિયાનમાં આસપાસના લોકો વચ્ચે છોડાવવા પડતાં તેઓએ પત્થરમારો કરતાં છોડાવવા પડેલાં શૈલેષભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને ગોવર્ધન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિવેક, હિમાંશુ, ધવલ તેમજ કૃણાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ સંદર્ભે વિવેક વસંત લિંબચિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે તેના મિત્રો ધવલ તથા હિમાંશુ સાથે ખેતલાઆપા ટી સ્ટોલની બાજુમાં આવેલી ચાની લારી પર ચ્હા પીવા ગયાં હતાં. દરમિયાન તેઓ ખેતલાઆપા પાસે વાતો કરતાં કરતાં અંદરોઅંદર અપશબ્દો ઉચ્ચારતાં હોઇ નજીકમાં રહેતાં દિનેશ આહિરે ત્યાં આવી તેમને અપશબ્દો ઉચ્ચારવા બાબતે બોલાચાલી કરી હતી. ઉપરાંત બોલવાની સભ્યતા રાખો કહી ધવલને બે-ત્રણ તમાચા મારી દીધાં હતાં. દરમિયાન હિમાંશુ વચ્ચે છોડાવવા પડતાં તેને પણ તમાચા મારી દીધાં હતાં. જેના પગલે તેમણે કૃણાલસિંહને ફોન કરતાં તે પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે દિનેશને નાનીવાતમાં કેમ મારમાર્યો તેમ કહેતાં દિનેશ તેમજ તેના અન્ય બે સાગરિતોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં પોલીસ આવી જતાં તેઓએ ઝઘડો શાંત કરી તેમનું સમાધાન કરાવ્યું હતું. દરમિયાનમાં કૃણાલના પિતા વિઠ્ઠલભાઇ દિનેશભાઇના મિત્ર હોઇ તેઓને બોલાવતાં તેઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. તે વેળાં એક શખ્સે કૃણાલના પિતાની શર્ટ લેતાં સામસામે મારામારી થઇ હતી.