પાટડીઃ રણમાં અગરિયા ભુલકાઓ માટેની તંબુશાળાના ટેન્ટ વાવાઝોડાના પગલે ફાટી જતા રણમાં 44 ડીગ્રીમાં ખુલ્લામાં ભણતા અગરિયા ભુલકાઓના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ ખુદ હાઇકોર્ટે એની નોંધ લઇ સુઓમોટો દાખલ કરી હતી. જેના પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના રણમાં કુલ 35 રણ બસશાળા મંજૂર કરાઇ હતી. જેમાંથી 20 રણ બસશાળા તો એકમાત્ર ખારાઘોડા રણમાં જ મંજૂર કરાઇ છે. જેમાંથી 6 રણ તંબુશાળા ગાંધીનગરથી આજે ખારાઘોડા લવાઇ હતી.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જૂની ખખડધજ બસોને મોડીફાય કરીને 24 ભુલકાઓ બેસી શકે એવી રણ બસશાળા તૈયાર કરાઇ છે. આ રણ બસશાળામાં તમામ સીટોને કાઢી નાખી લાકડાનું ફ્લોરીંગ લગાવી એમા કાર્પેટ પાથરી 12 પંખા લગાવવામાં આવ્યા છે. સોલાર પેનલથી સજ્જ આ બસમાં ટીવી અને ડિશ એન્ટીના લગાવીને અગરિયા ભુલકાઓને રણ બસશાળામાં શિક્ષણને લગતા કાર્યક્રમો બતાવવામાં આવશે.
થોડા સમય અગાઉ રણમાં તંબુશાળામાં ટેન્ટ ફાટી જતા 44 ડીગ્રી તાપમાનમા અગરિયા ભુલકાઓ ખુલ્લામાં ભણવા મજબુર બન્યાના દિવ્યભાસ્કરના અહેવાલની ખુદ હાઇકોર્ટ નોંધ લઇ સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો જવાબ માંગ્યો હતો. જેના પગલે આ વર્ષે નવા સત્રથી રણમાં કુલ 35 રણ બસશાળા મંજૂર કરાઇ હતી. જેમાં એન્જીન વગરની 6 રણ બસશાળાને ખાસ ક્રેન વડે ગાંધીનગરથી ખારાઘોડા અગરિયા હોસ્ટેલ ખાતે લાવવામાં આવી હતી.
આગામી અઠવાડિયાએ અન્ય બસ પહોંચશે
ખારાઘોડા રણ માટે મંજૂર કરાયેલી રણ બસશાળામાંથી 6 રણ બસશાળા ખારાઘોડા આવી ગઇ છે અને બાકીની રણ બસશાળા પણ આગામી અઠવાડીયે રણમાં પહોંચ્યા બાદ નવા શૈક્ષણિક સત્રથી અગરિયા ભુલકાઓ રણ બસશાળામાં શિક્ષણ મેળવશે. – પૂનાભાઇ વકાતર, સર્વ શિક્ષા અભિયાન
35માંથી 20 બસશાળા તો ખારાઘોડામાં
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રણમાં મીઠું પકવતા અગરિયા બાળકોના શિક્ષણ માટે કુલ 35 બસો મંજૂર કરાઇ છે. જેમાંથી 20 રણ બસશાળા ખારાઘોડા રણમાં, 10 રણ બસશાળા સાંતલપુર રણમાં, 3 રણ બસશાળા કચ્છના રણમાં અને 2 રણ બસશાળા માળીયા રણ માટે મંજૂર કરાઇ છે. – ભરતભાઇ સોમેરા, મીઠાઘોડા
ભુલકાઓના જીવનમાં સોનાનો સૂરજ
ભુલકાઓ માટે વર્ષોથી ચાલતી તંબુશાળા બાબતે ખુદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રસ લઇ આ પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો. આ બાબતે ભવિષ્યમાં પણ કોઇ સુધારો કે સુચનો હોય તો તાકીદે રજૂ કરવા પણ જણાવ્યું હતુ. – હરણેશભાઇ પંડ્યા, અગરિયા હિત રક્ષક મંચ રણમાં મીઠું પકવતા અગરિયા
આ વર્ષથી રણ તંબુશાળા હવે ભૂતકાળ બનશે
સર્વ શિક્ષા અભિયાન દ્વારા છેલ્લા 20-25 વર્ષથી રણમાં અગરિયા ભુલકાઓને તંબુશાળામાં જ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતુ હતુ. આ વર્ષે રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને બસશાળામાં શિક્ષણ આપવામાં આવશે આથી રણ તંબુશાળા હવે ભૂતકાળ બનશે.