પડધરીના ખંભાળા ગામે આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધો. 12 સાયન્સના છાત્ર સાથે ધો. 12 સાયન્સમાં જ અભ્યાસ કરતા અડધો ડઝન જેટલા છાત્રોએ રેગીંગ કરી, બર્બરતાથી મારકૂટ કર્યાનો આક્ષેપ થયો છે. ઘાયલ છાત્રને જૂનાગઢની સિવીલમાં ખસેડાયો છે. જયારે મારકૂટમાં સંડોવાયેલા છાત્રોને રસ્ટિગેટ કરાયાનું સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું.
સુત્રાપાડાના આલીદ્રા ગામે રહેતાં શિક્ષક પ્રવિણભાઈ વાળાએ જણાવ્યું કે ગઈ તા. 9ના રોજ રાત્રે 12 વાગ્યા પછી તેના પુત્ર જૈમીનને 7 થી 8 છાત્રોએ ભેગા મળી, કમર પટ્ટાથી માર માર્યો હતો. એટલું જ નહીં તેનું માથું દિવાલમાં ભટકાડયું હતું. બેલ્ટના બકલને કારણે વાંસા અને શરીરના અન્ય ભાગો ઉપર ચાંભા પડી ગયા હતા. એટલું જ નહીં ઠેર-ઠેર ઈજા થઈ હતી.
તેનો પુત્ર ભાગવા જતાં તેને પકડીને અવાર-નવાર મારકૂટ કરાઈ હતી. હુમલાખોર છાત્રોએ તેને ઘેરી લઈ બર્બરતાથી માર માર્યો હતો. સ્કૂલના ટ્રસ્ટીઓએ તેમને અમે રાત્રે થોડા હાજર હોઈએ તેમ કહી ઉડાવ જવાબ આપ્યા હતા. એટલું જ નહીં હુમલાખોર છાત્રો સામે કોઈ ઠોસ કાર્યવાહી કરી ન હતી તેવો પણ આક્ષેપ કર્યો હતો.
જયારે સ્કૂલના સંચાલકએ જણાવ્યું હતું કે જવાબદાર છાત્રોને રસ્ટિગેટ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ભોગ બનેલા છાત્રના પિતા સમક્ષ માફી મંગાવી માફી પત્રો પણ લખાવી લેવામાં આવ્યા છે. ભોગ બનેલા છાત્રના પિતાને ઉડાવ જવાબ આપ્યાનો ઈન્કાર કર્યો હતો અને સ્કૂલનું મેનેજમેન્ટ તેમની સાથે જ હોવાની ખાત્રી આપી હતી. જયારે છાત્રના પિતા પ્રવિણભાઈએ વધુમાં જણાવ્યું કે તેના પુત્રએ ઈજાગ્રસ્ત હાલતમાં બીજા દિવસે પેપર આપ્યું હતું.