રજૂઆત : હિરણ-1 ડેમની કેનાલમાં ગટરનું ગંદુ પાણી ઠલવાયું, તાત્કાલિક પગલા લેવા આવેદન આપ્યું

0
0

તાલાલા પંથકમાં આવેલા હિરણ-1 ડેમની કેનાલમાં બોરવાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરનું ગંદુ પાણી કેનાલમાં નાખવામાં આવે છે. તે બંધ કરાવવા માટે વિરપુર ગીર ગ્રામ પંચાયત દ્વારા ગીર સોમનાથ સિંચાઇ વિભાગના ના.કા. ઇજનેરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ગંદુ પાણી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને આપવામાં આવતા રોષ
વિરપુર ગીર ગ્રામ પંચાયતના સરપંચ કે.જી.ઘોડાસરાએ રજૂઆતમાં જણાવાયુ છે કે, તાલાલા ગીર તાલુકાના વિરપુર ગામની સીમમાં હિરણ-1 ડેમનું પાણી કેનાલથી આવે છે. તે કેનાલના પાણીમાં હાલ નજીકના બોરવાવ (ગીર) ગ્રામ પંચાયત દ્વારા ગટરનું ગંદુ એસીડવાળુ પાણી છોડીને ઉપયોગ કરવા લાયક પાણીને પ્રદુષિત કરે છે. કેનાલમાંથી આવતું પાણી વિરપુર (ગીર) ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને આપવામાં આવે છે તે ઉપરાંત તે પાણી બોરમાં પણ જાય છે.

કેનાલમાં છોડવામાં આવતું ગટરનું ગંદુ પાણી બંધ કરાવવા માંગણી
હાલ ગ્રામજનોને પાણી તે બોરમાંથી જ આપવામાં આવે છે. જેના કારણે હાલમાં તે પાણી એસીડવાળુ અને ગંદુ પ્રદુષિત થઈ ગયું છે. જેના કારણે કોવિડ 19 મહામારીમાં ગ્રામજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. લોકોના સ્વાસ્થ્ય માટે આ કેનાલનું પાણી ખુબ હાનિકારક અને નુકસાનકર્તા થઈ રહ્યું છે. જેથી તાત્કાલીક કેનાલમાં છોડવામાં આવતું ગટરનું ગંદુ પાણી બંધ કરાવવા માંગણી છે.

ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી જોવા મળી
અત્રે નોંધનીય છે કે, હાલ કોરોના મહામારીના સમયમાં પાણી મારફતે પણ કોરોના ફેલાતો હોવાની તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી હોવાથી ગીર પંથકમાં ઘર વપરાશ અને પીવા માટે મળતું પાણી પ્રદુષિત કરવામાં આવી રહ્યાનું સામે આવતા વીરપુર ગીરના ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે તંત્ર ત્વરીત ઘટતી કાર્યવાહી કરી કેનાલમાં ઠલવાતું ગંદુ પાણી બંધ કરાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે યોગ્ય પગલાં ભરે તેવી લાગણી ગ્રામજનો વ્યક્ત કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here