વલસાડ : સિવિલ હોસ્‍પિટલમાં કોરોના પોઝીટીવ 3 સગર્ભા ની સફળ સિઝેરીયન ડિલીવરી કરાવાઇ.

0
9
વલસાડ સિવિલમાં કોરોના પોઝીટીવ ત્રણ સગર્ભાની સફળ સિઝેરીયન ડિલીવરી કરાવાઇ, ડોક્ટરો પર અભિનંદન વર્ષા. 
ડોક્‍ટરની મહેનત થકી ત્રણેય માતા અને તેમના સંતાનો સ્‍વસ્‍થ બનીને ઘરે ગયા, ડોક્ટરોની મહેનત રંગ લાવી. 
કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. જેમાં કોઇ દેશ કે રાજય બાકાત નથી રહયું. વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. કોરોનાથી સંક્રમિત થતા બચાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહયા છે. કોરોના કાળમાં સાવચેતી અને સલામતી એજ ઉપાય છે. કોરોનાએ અનેક લોકોને સંક્રમિત કર્યા છે. આ સંક્રમણમાં સગર્ભાઓ પણ બાકાત નથી રહી.
વલસાડ ની સિવિલ હોસ્‍પિટલ માં કોરોના પોઝીટીવ ૯ સગર્ભાઓને દાખલ કરી હતી. સિવિલ ના ગાયનેક ડૉક્‍ટરોએ કોરોના પોઝીટીવ ૯ ગર્ભવતી પૈકી ત્રણ સગર્ભા મહિલાઓનું સફળ સિઝેરિયન ઓપરેશન કરી તેમના બાળકોને જન્‍મ અપાવ્‍યો છે. ત્રણેય કોરોના પોઝીટીવના બાળકોને આઇસોલેશનમાં સ્‍વસ્‍થ રાખી તેમની માતાને પણ સારી કરી તેમના ઘરે સહીસલામત રીતે મોકલી છે. વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં હાલ કોરોના માટેના સ્‍પેશ્‍યલ કોવિડ-૧૯ વોર્ડમાં દાખલ થયેલી મહિલાઓ પૈકી ૯ મહિલાઓ ગર્ભવતી હતી. આ ગર્ભવતી મહિલાઓ પૈકી ત્રણ મહિલાઓના છેલ્લા મહિના ચાલતા હોય, સિવિલના ગાયનેકોલોજી ડિપાર્ટમેન્‍ટના હેડ ડૉ. પ્રતિભા ચૌધરીએ આ ત્રણેય મહિલાઓની સફળતાપૂર્વક સિઝેરિયન ડિલિવરી કરાવી છે. ત્રણે કેસ પૈકી વાપીની એક મહિલા તો ખૂબ જ ગંભીર સ્‍થિતિ માં સિવિલ માં આવી હતી. તેના પ્‍લેટલેટ ઘટીને ૪૧ હજાર થઇ ગયા હતા. તેમને લોહી અને પ્‍લાઝમા ચઢાવી તેમના પ્‍લેટલેટ વધારી તેમને પણ સિવિલમાં યોગ્‍ય સારવાર આપી  ડિલિવરી કરાવી હતી. હાલ આ મહિલા અને તેનું સંતાન પણ ખૂબ સ્‍વસ્‍થ છે.
વલસાડ સિવિલના ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર દ્વારા સગર્ભાઓની પણ ખાસ સંભાળ રાખવામાં આવી હતી. સિવિલ માં આવતા ઇન્‍ફન્‍ટ બેબીથી લઇ બાળકોનું પણ પૂરતું ધ્‍યાન રાખવામાં આવી રહયું છે. વલસાડ સિવિલ હોસ્‍પિટલના કોવિડ-૧૯ વોર્ડમાં તમામ પ્રકારના ડૉક્‍ટરો સેવા આપી રહયા છે. અહીં ફિઝીશ્‍યન ઉપરાંત ગાયનેકોલોજીસ્‍ટ અને પિડયાટ્રીશ્‍યન પણ ખાસ ફરજ બજાવી રહયા છે. આ બંને ડોક્‍ટરો પ્રસૂતા અને નવજાત બાળકની સંભાળ માટે હંમેશા તત્‍પર રહે છે. આ સિવાય અહીં ઇન્‍ટર્ન ડોક્‍ટરોની મોટી ટીમ કોવિડ-૧૯ ના દર્દીઓની સંભાળ માટે સતત ખડેપગે  રહે છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here