દહેજ : યશસ્વી કેમિકલ કંપનીમાં ફરી આગ, દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા, 81 દિવસ પહેલા 12 કામદારો આગમાં ભડથુ થયા હતા

0
11

ભરૂચ જિલ્લાના દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં આજે ફરી એક વખત આગ લાગી હતી. જેને પગલે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. અગાઉ યશસ્વી કેમિકલ કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 12 કામદારોના મોત થયા હતા. ક્લોઝર નોટિસને પગલે કંપનીનો પ્લાન્ટ બંધ હાલતમાં છે, જોકે, કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન આજે ફરીથી આગ લાગી હતી.

યશસ્વી કેમિકલ કંપનીમાં આજે ફરી આગ લાગતા દોડધામ મચી ગઇ
(યશસ્વી કેમિકલ કંપનીમાં આજે ફરી આગ લાગતા દોડધામ મચી ગઇ)

 

3 જૂને યશસ્વી કેમિકલમાં ભીષણ આગમાં 12 કામદારો ભડથુ થયા હતા

3 જૂનના રોજ ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં ઓર્થોડાઇક્લોરો બેન્ઝીનની ટાંકીમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી . જેમાં 12 કામદારોના મોત થયા હતા. જ્યારે 70થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ 4 જૂનના રોજ સવારે યશસ્વી કેમિકલ કંપનીમાં ફરીથી ધડાકા અને આગ ફાટી નીકળી હતી. દહેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન માનવીય ભૂલના કારણે કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું ખુલ્યું હતું. જેથી દહેજ પોલીસે કંપનીના 7 અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

3 જૂને યશસ્વી કેમિકલમાં લાગેલી આગની ફાઇલ તસવીર
(3 જૂને યશસ્વી કેમિકલમાં લાગેલી આગની ફાઇલ તસવીર)

 

ધૂમાડાના ગોટેગોટા દરિયાના સામે કિનારે 35 નોટિકલ માઈલ દૂર ધોધા બંદરે જોવા મળ્યા હતા

3 જૂનના રોજ દહેજ જેટી નજીકની યશસ્વી રસાયણમાં ઓર્થો ડાયક્લોરો બન્ઝિન (ODCB) ની સ્ટોરેજ ટેન્ક ધડાકા સાથે ફાટવાથી આગ લાગી હતી. હવામાં 1000 મીટર કરતા પણ ઉંચે સુધી ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતાં. જે દરિયાના સામે કિનારે 35 નોટિકલ માઈલ પર આવેલ ભાવનગરના ધોધા બંદર ખાતે પણ જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ધડાકાના પગલે નજીકના 3 કિલોમીટરના ગામ લોકોએ તો ધરતીકંપના આંચકા જેવો અનુભવ કર્યો હતો. સ્ટોરેજ ટેન્કની સામે મિથેનોલ અને ઝાઇલીનના સ્ટોરેજ હોઇ પોઇઝન અને ફ્લેમેબલ હોઇ 4800 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

યશસ્વી કેમિકલ કંપનીમાં ફરી આગ લાગી
(યશસ્વી કેમિકલ કંપનીમાં ફરી આગ લાગી)

 

આજે કાટમાળ ખસેડતી વખતે કંપનીમાં ફરી આગ લાગી

દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં 3 જૂન અને 4 જૂન બાદ બાદ આજે ફરી એક વખત કાટમાળ ખસેડતી વખતે આગ લાગી હતી. જેથી તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. અને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આજે લાગેલી આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here