દિલ્હી/રાંચીઃ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યાં બાદ ભાજપમાં સામેલ થઈ શકે છે. આ દાવો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને કર્યો છે. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં પાસવાને કહ્યું કે ભાજપમાં ધોનીને પાર્ટીમાં લાવવા માટેની ઘણાં સમયથી વાતચીત ચાલી રહી છે.
તેઓએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં પણ ધોનીને પાર્ટી સાથે જોડવાના પ્રયાસ થયા હતા. સંપર્ક ફોર સમર્થન કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ધોની સાથે મુલાકાત કરી હતી. ભાજપનું સભ્યપદ લીધા બાદ ધોની વડાપ્રધાન મોદીની ટીમમાં સામેલ થઈ શકે છે, પરંતુ આ બધું તેઓ સન્યાસ લેશે તે બાદ જ શક્ય બની શકે છે. બીજી બાજુ શનિવારે રાંચીમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહને પૂછવામાં આવ્યું તો તેઓએ આ અંગે મૌન સાધ્યું હતું. પ્રદેશ ભાજપના ટોચના નેતાઓએ પણ આ અંગે મગનું નામ મરી પાડ્યું ન હતું. ઝારખંડમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી છે. જેને લઈને સંગઠનાત્મક મજબૂતી આપવા માટે ભાજપ મહેનત કરી રહ્યું છે.
ધોની સોશિયલ મીડિયા પર ટ્રેંડઃ વર્લ્ડ કપમાંથી ભારતીય ટીમ બહાર થયા બાદથી સોશિયલ મીડિયા પર મહેન્દ્રસિંહ ધોની ટ્રેંડ થઈ રહ્યાં છે. શક્યતા વ્યકત કરાઈ રહી છે કે ટૂર્નામેન્ટમાંથી પરત ફર્યા બાદ ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. જો કે ધોનીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો એવી રીતે રિએક્ટ કરી રહ્યાં છે જાણે ધોની ઈંગ્લેન્ડથી આવી સન્યાસની જાહેરાત કરવાના હોય.
ત્રણ દિવસ સુધી ટ્વિટર પર ટ્રેંડ કરતા રહ્યાં ધોનીઃ સેમીફાઈનલમાં બુધવારે (10 જુલાઈ)એ ભારતની હાર પછી ધોની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ટ્વિટર ટ્રેંડ થવા લાગ્યાં. યુઝર્સે આ મેચને તેમની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ગણાવતાં તેમના રિટાયર્ડમેન્ટની વાત કરવા લાગ્યાં અને તેની સાથે જોડાયેલી યાદો શેર કરવા લાગ્યા. જે બાદ આગામી ત્રણ દિવસ સુધી ધોની ટ્વિટર પર ટ્રેંડમાં ટોપ થ્રીમાં બની રહ્યાં. શુક્રવારે #DhoniInbillionHearts (હેસટેગ ધોની ઈન બિલિયન હાર્ટ્સ) ટ્રેંડ કરી રહ્યું હતું અને યુઝર્સ તેઓ સન્યાસ ન લે તેવી અપીલ કરતા રહ્યાં હતા