મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના આકસ્મિક નિધનથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. તેમના નિધનના દોઢ વર્ષ બાદ કેરળના જેલ ડીજીપી ઋષિરાજ સિંહે દાવો કર્યો છે કે શ્રીદેવીનું નિધન આકસ્મિક ઘટના નહોતી પરંતુ હત્યા હતી. તેમણે આ દાવો ફોરેન્સિક એક્સપર્ટ તથા નિકટના મિત્ર ડો. ઉમાદથન તરફથી કર્યો છે.
ડીજીપીએ શું દાવો કર્યો?
1. મિત્રના નિધન પર ડીજીપીએ આ વાત કહી
73 વર્ષીય ઉમાદથનનું બુધવાર (10 જુલાઈ)એ નિધન થયું હતું. તેઓ કેરળમાં મર્ડર મિસ્ટ્રીના કેસ ઉકેલવા માટે જાણીતા હતાં. મિત્રના નિધન પર ડીજીપીએ કહ્યું હતું કે તેમણે ઉમાદથન સાથે શ્રીદેવીના નિધન પર ચર્ચા કરી હતી. સિંહે કહ્યું હતું, ‘મેં જીજ્ઞાસાપૂર્વક ઉમાદથન સાથે શ્રીદેવીના કેસ અંગે વાત કરી હતી. તેમણે જે જવાબ આપ્યો તેનાથી હું હેરાન રહી ગયો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે આ કેસની નાનામાં નાની વિગત ધ્યાનમાં રાખી છે. રિસર્ચ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો હતો કે શ્રીદેવીનું નિધન કોઈ આકસ્મિક ઘટના નહોતી પરંતુ હત્યા હતી. તેમને એવા ઘણાં પુરાવા મળ્યાં, જેનાથી આ વાત સાબિત થાય છે કે શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી’
2. એક ફૂટ ઊંડા બાથટબમાં વ્યક્તિ ના ડૂબી શકે
વધુમાં સિંહે કહ્યું હતું, ‘મારા મિત્રે મને કહ્યું હતું કે વ્યક્તિ ભલે ગમે તેટલી નશામાં કેમ ના હોય પરંતુ એક ફૂટ ઊંડા બાથટબમાં ક્યારેય ડૂબી શકે નહીં. મારા મિત્રે દાવો કર્યો હતો કે કોઈએ એક્ટ્રેસના બંને પગ પકડી રાખ્યા હશે અને માથું પાણીમાં ડૂબાડ્યું હશે.
3. દુબઈ પોલીસે તપાસ કરી હતી
ગયા વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું નિધન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, નશાને કારણે બાથટબમાં ડૂબવાથી નિધન થયું હતું. દુબઈ પોલીસે આ કેસની પૂરતી તપાસ કરી હતી અને હત્યા થઈ હોવાનો પુરાવો મળ્યો નહોતો. ત્યારબાદ આ ઘટનાને આકસ્મિક ઘટના માનવામાં આવી હતી.
4. ઉમાદથન લીબિયા સરકારના મેડિકો-લીગલ કન્સલટન્ટ હતાં
ડો. ઉમાદથનની વાત કરીએ તો તેમણે કેરળના અલગ-અલગ શહેરો જેવા કે થિરૂવનંતપુરમ, અલપુઝા, કોટ્ટયમ, ત્રિશૂરની મેડિકલ કોલેજમાં ફોરેન્સિક મેડિસિન પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. લીબિયા સરકારે તેમને મેડિકો-લીગલ કન્સલટન્ટ તરીકે પણ પસંદ કર્યાં હતાં. કેરળ પોલીસના અનેક મર્ડર કેસમાં તેમણે મદદ કરી હતી.
5. બોની કપૂરે શું કહ્યું?
ઋષિરાજ સિંહના દાવા બાદ વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં બોની કપૂરે કહ્યું હતું, તે આવી પાયાવિહોણી વાતો પર કોઈ પ્રતિક્રિયા આપવા માગતા નથી. તે માને છે કે આવી બાબતો આવતી રહેશે અને તેના પર કોઈ જાતની વાત કરવાની જરૂર નથી. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે આવી વાતો કોઈની કલ્પના જ એક ભાગ હોઈ શકે છે.