આપઘાત – એક તરફ પત્નીએ પુત્રને જન્મ આપ્યો બીજી તરફ યુવાને હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદી પોતાની જિંદગી ટૂંકાવી

0
8
યુવાને રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
યુવાને રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
  • યુવાને આવું પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી

સીએન 24,ગુજરાત

જૂનાગઢ. જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી ધોરાજીના યુવાને છલાંગ લગાવી હતી. આથી બંને પગમાં ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક જૂનાગઢ અને બાદમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યુવાને દમ તોડી દીધો હતો. આ અંગે જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવી છે. જુનાગઢ પોલીસે હાલ યુવાને ક્યાં કારણોસર પડતુ મુક્યું તે અંગે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક તરફ યુવાનની પત્નીએ દિકરાને જન્મ આપ્યો હતો અને બીજી તરફ યુવાને હોસ્પિટલના ત્રીજા માળેથી કુદકો મારી જિંદગી ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

એક તરફ દિકરાની જન્મથી ખુશી તો બીજી તરફ પતિએ આપઘાત કરી લીધો
હાલમાં ધોરાજીમાં કાંતિભાઇ પટેલની વાડીમાં પત્ની સરોજ સાથે રહી ખેત મજૂરી કરતાં ભાવેશએ રાત્રીના એકાદ વાગ્યે જુનાગઢની સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદકો મારતાં ગંભીર ઇજાઓ થતાં ત્યાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી બપોરે વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ભાવેશની સાથે જ ખેતરમાં કામ કરતાં વ્યકિતએ જણાવ્યું હતું કે, ભાવેશની પત્નિને પૂરા મહિના હોય તેને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. ગત રાતે જ તેણીએ દિકરાને જન્મ આપ્યો હતો. એ પછી કોઇ પણ કારણોસર ભાવેશે હોસ્પિટલના જ ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી.  પિતા બન્યાની એક તરફ ખુશી હતી ત્યારે બીજી તરફ ભાવેશે આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે રહસ્ય સર્જાયું છે. જુનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોના અને પત્નીના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.