Tuesday, March 18, 2025
HomeBUSINESSBUSINESS : ન્યૂયોર્કની કોર્ટે મોકલેલું સમન્સ અદાણીના અમદાવાદ નિવાસસ્થાને પહોંચશે

BUSINESS : ન્યૂયોર્કની કોર્ટે મોકલેલું સમન્સ અદાણીના અમદાવાદ નિવાસસ્થાને પહોંચશે

- Advertisement -

અમેરિકન સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમેરિકા તરફથી આ મામલામાં તપાસ માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગવામાં આવી હતી. સાથે જ અદાણીને લઇને સમન્સ નોટિસ મોકલવામાં આવી હતી. હાલ આ સમન્સને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટને મોકલવામાં આવ્યા છે અને તેને અમદાવાદ સ્થિત અદાણીના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવે તેમ કોર્ટને જણાવાયું છે.

આ પહેલા ગૌતમ અદાણી સામે સમન્સ કાઢવામાં આવ્યા હતા તેને અદાણી સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમેરિકન એક્સચેન્જ કમિશને કહ્યું હતું. હેગ કન્વેંશન હેઠળ આ મદદ માગવામાં આવી હતી, ૧૯૬૫ના હેગ કન્વેંશન કોઇ પણ દેશના નાગરિક સામે વિદેશમાં કોઇ કેસ ચાલતો હોય તો તેના દસ્તાવેજોને તેના સુધી પહોંચાડવામાં જે તે દેશ નાગરિકના દેશ પાસેથી મદદ લઇ શકે છે. આ કન્વેંશનના ભાગરુપે અમેરિકાથી આ સમન્સ ભારત આવ્યા હતા.

બાદમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળના વિભાગ દ્વારા આ સમન્સને અમદાવાદની સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા, હવે આ સમન્સ અમદાવાદ સ્થિત ગૌતમ અદાણીના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવશે. અંગ્રેજી દૈનિક ધ હિન્દુના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અમેરિકાથી આવેલા સમન્સ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેને અમદાવાદની કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હેગ કન્વેંશનનું પાલન થયું હોવાની પણ ખરાઇ કરવામાં આવી હતી.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી સામે કેસ કર્યો હતો. જેમાં સાગર અદાણી અને અદાણી ગ્રીન લિ.ના અન્ય એક્ઝિક્યૂટિવ્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં સરકારી અધિકારીઓને લાંચ આપીને પોતાની તરફેણમાં પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવાયો છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ ૧૯૭૭ને ૧૮૦ દિવસ માટે સસ્પેન્ડ કરવાના એક્ઝિક્યૂટિવ આદેશો પર સહી કરી હતી, જે બાદ અમેરિકન સિક્યોરિટી એક્સચેન્જ દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પનો આ નિર્ણય અગાઉના કેસો પર લાગુ નહીં થાય, જેથી આ કેસમાં અદાણીને હાલ કોઇ રાહત ના મળે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular