વર્લ્ડ ટૉબૅકો ડે : સુનીલ ગ્રોવરે એન્ટી-કેન્સરનો મેસેજ આપવા ઘરમાં ‘સિગારેટ’ બનાવી

0
0

મુંબઈ. આજે (31 મે) વર્લ્ડ ટૉબૅકો ડે છે. આ પ્રસંગ પર કોમેડિયન તથા એક્ટર સુનીલ ગ્રોવરે વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્મોકિંગ છોડવાની વાત કરી છે. વીડિયોમાં સુનીલ ગ્રોવર શૅફના અવતારમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતાના કિચનમાં સિગારેટ બનાવતો જોવા મળે છે. સુનીલે એન્ટી ટૉબૅકો કેમ્પેઈનનો આ વીડિયો ઈન્ડિયન કેન્સર સોસાયટી સાથે મળીને બનાવ્યો હતો.

શું છે વીડિયોમાં?

વીડિયોમાં સુનીલ ગ્રોવર કિચનમાં ઊભો હતો અને તેણે ઓફ-વ્હાઈટ અપ્રોન પહેર્યું હતું. તેણે કહ્યું હતું, ‘આજે હું તમને બહુ જ લોકપ્રિય રેસિપી બતાવવાનો છું. એક વાસણમાં કૅડમિયમ, ત્યારબાદ થોડું ઍસિટોન લો. હવે આપણે આની અંદર મીણ નાખીશું. હવે અમોનિયા નાખવાનો રહેશે. અમોનિયા આપણને ટોઈલેટ ક્લિનરમાંથી મળી રહેશે. સ્વાદ અનુસાર ઝેર એટલે કે આર્સનિક ઉમેરો. અંતમાં થોડું નિકોટીન નાખો. નિકોટીન આપણને જંતુનાશક દવાઓમાંથી મળી રહેશે.’

ત્યારબાદ સુનીલ એક પ્લેટમાં સિગારેટ બતાવે છે અને કહે છે, ‘હવે તૈયાર થઈ ગઈ તમારી મનપસંદ, ટેસ્ટી સિગારેટ.’ પછી સુનીલે હાથમાં સિગારેટ પકડી અને કહ્યું, ‘જોવામાં એટલી કૂલ લાગે છે કે ખબર જ નથી પડતી કે આમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. જેને ખબર પડી ગઈ તે આનાથી દૂર જ રહેશે ને? ઈન્ડિયન કેન્સર સોસાયટીની વાત માનો, સિગારેટ, તમાકુથી દૂર રહો અને કેન્સરથી બે ડગલાં આગળ.’

સુનીલે આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘લૉકડાઉન દરમિયાન એક નવા ટાઈપની રેસિપી ટ્રાય કરી છે. આ વીડિયોમાં તે વાત કરવામાં આવી છે, તે ઘણી જ કઠોર છે અને તેણે મને વારંવાર વિચાર કરવા પ્રેર્યો હતો.’

ડિરેક્ટર અનુભવ સિંહાએ વીડિયો શૅર કર્યો

સુનીલ ગ્રોવરનો આ વીડિયો ફિલ્મમેકર અનુભવ સિંહાએ શૅર કરીને કહ્યું હતું, ‘મેં 30 વર્ષ પહેલાં જ સ્મોક કરવાનું બંધ કરી દીધું. હું પહેલાં પુષ્કળ સ્મોક કરતો પરંતુ હવે છોડી દીધું છે. હું યંગસ્ટર્સને એમ જ કહું છું કે તમે ક્યારેય સ્મોક કરવાનો પ્રયાસ પણ કરશો નહીં અથવા તમે વર્ષો સુધી સ્મોક છોડવાનો પ્રયાસ કરતાં રહેશો. દરેક સ્મોકર સ્મોકિંગ છોડવા ઈચ્છે છે પરંતુ તે કરી શકતા નથી. સુનીલ આ સારી ફિલ્મ છે.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here