છેલ્લાં ઘણાં સમયથી અટકળો લગાવવામાં આવતી હતી કે કોમેડિયન તથા એક્ટર સુનિલ ગ્રોવર ટીવીમાં કમબેક કરવાનો છે. સુનિલ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ને હોસ્ટ કરશે, તેવી ચર્ચા હતી. થોડાં મહિના પહેલાં જ શોના મેકર્સે સુનિલ ગ્રોવરનો હોસ્ટિંગ માટે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં સુનિલે આ માટે રસ પણ દાખવ્યો હતો. જોકે, હવે સુનિલે શો હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. મેકર્સ હવે નવો હોસ્ટ શોધી રહ્યાં છે.
સુનિલના સ્થાને મોના સિંહ શો હોસ્ટ કરે તેવી શક્યતા
1. સુનિલ ગ્રોવર અન્ય કામમાં વ્યસ્ત
સૂત્રોના મતે, મેકર્સે પૂરતો પ્રયાસ કર્યો હતો કે સુનિલ ગ્રોવર શો હોસ્ટ કરે પરંતુ તે હાલમાં બીજા કમિટમેન્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે શોમાં કામ કરી શકશે નહીં. સુનિલ હાલમાં ફિલ્મ્સ તથા વેબ સીરિઝમાં કામ કરવા માગે છે. હાલમાં તે ટીવી પર પરત ફરવા માગતો નથી.
2. કપિલના શોમાં પણ જોવા મળશે નહીં
સુનિલ કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં કામ કરે તેવી ચર્ચા થતી હતી. જોકે, સુનિલે આ વાતોને અફવા ગણાવીને કહ્યું હતું કે હાલમાં તે કપિલ સાથે કામ કરવા અંગે વિચારી શકે તેમ નથી.
3. મોના સિંહ ‘નચ બલિયે’માં આવે તેવી શક્યતા
ચર્ચા છે કે હવે મોના સિંહ શો હોસ્ટ કરે તેવી શક્યતા છે. સૂત્રોના મતે, મોના સિંહે આ શો કરવામાં રસ પણ બતાવ્યો છે. હવે, મોના સિંહ તથા મનિષ પોલ શોને હોસ્ટ કરતા જોવા મળે તેવી શક્યતા છે.
4. થીમ સોંગ બનાવવામાં આવશે
શો સાથે જોડાયેલી અન્ય એક વાત પણ સામે આવી છે. પ્રોડ્યૂસર સલમાન ખાન ઈચ્છે છે કે ફેમસ રેપર ડિવાઈન તથા નેઝી તેના શો માટે રેપ સોંગ બનાવે. સલમાન ખાન ઈચ્છે છે કે જે રીતે આ બંનેએ ‘ગલી બોય’ માટે સોંગ બનાવ્યું હતું, તે જ રીતે ‘નચ બલિયે’નું થીમ સોંગ બનાવવામાં આવે.
5. દિવ્યાંકા ત્રિપાઠી પહેલો એપિસોડ હોસ્ટ કરે તેવી શક્યતા
ચર્ચા છે કે ‘નચ બલિયે 8’ની વિનર દિવ્યાંકા ત્રિપાઠી સિઝન 9નો પહેલો એપિસોડ હોસ્ટ કરી શકે છે. હવે, દિવ્યાંકાની સાથે તેનો પતિ વિવેક દાહિયા હોસ્ટ કરશે કે નહીં તે વાત સામે આવી નથી.