સુનીલ શેટ્ટી બનવા ઈચ્છતો હતો ક્રિકેટર, બર્થ ડે પ્રસંગે ફિલ્મી સફરથી લઈને જીવનની આ વાતોના કર્યા ખુલાસા

0
6

બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી આજે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે તમને બોલિવૂડમાં જોરદાર બોડીવાળા ઘણા કલાકારો જોવા મળશે પરંતુ 1990ના દાયકામાં એવા થોડા જ કલાકારો હતા જે શાનદાર ફિટનેસ ધરાવતા હતા. તેમાંથી એક સુનીલ શેટ્ટી પણ છે. સુનીલ શેટ્ટી હજી પણ તેના શરીર પર ઘણું ધ્યાન આપે છે અને અન્ય લોકોને સોશિયલ મીડિયા દ્વારા બોડી બિલ્ડિંગ વિશે જાગૃત પણ કરે છે. 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુનીલ શેટ્ટી આજકાલ મોટા પડદે ઓછા જોવા મળે છે. ફિલ્મોમાં પોતાના એક્શન અને કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનારા સુનીલ શેટ્ટીને અભિનયમાં રસ હતો જ નહીં પરંતુ તેમને તો ક્રિકેટર બનવું હતું. સુનીલ શેટ્ટી વિશે કેટલીક રસપ્રદ વાતો અહીં રજૂ કરી છે.

1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી

સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. ફિલ્મો ઉપરાંત હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ સુનીલ શેટ્ટીનું મોટું નામ છે. સુનીલ શેટ્ટીએ 1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની સાથે અભિનેત્રી દિવ્યા ભારતી પણ હતી. એમ પણ કહેવાયા છે કે તે સમયે કોઈ પણ અભિનેત્રી સુનીલ શેટ્ટી સાથે કામ કરવા તૈયાર થતી ન હતી કેમ કે તે એક નવોદિત અભિનેતા હતો.

સુનીલ શેટ્ટીની છબિ એક એક્શન હીરોની તરીકેની રહી

1994માં સુનીલ શેટ્ટીની કારકિર્દીમાં ‘મોહરા’ સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તેમની સાથે અક્ષય કુમાર અને રવીના ટંડન પણ હતા. આ પછી સુનીલ શેટ્ટી ‘ગોપી કિશન’માં ડબલ રોલમાં જોવા મળ્યો હતો. સુનીલ શેટ્ટીની છબિ એક એક્શન હીરોની તરીકેની રહી છે પરંતુ તે પ્રેક્ષકોને હસાવવામાં પણ સફળ રહ્યો છે. તેણે ‘હેરા ફેરી’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘વેલકમ’ અને ‘દે ધના ધન’ ફિલ્મોમાં લોકોને ખૂબ હસાવ્યા હતા. 2001માં આવેલી ફિલ્મ ‘ધડકન’ માટે સુનીલને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

નવ વર્ષના લાંબા રિલેશન પછી તેની ગર્લફ્રેન્ડ માના સાથે લગ્ન કર્યા

એક દાયકા સુધી બોલિવૂડમાં રાજ કર્યા બાદ સુનીલ શેટ્ટીની કારકિર્દીનો ગ્રાફ નીચે આવવા લાગ્યો. તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ જેને કારણે નિર્માતાઓએ તેને મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કાસ્ટ કરવાનું શરૂ કર્યું. અંગત જીવનની વાત કરીએ તો સુનીલ શેટ્ટીએ નવ વર્ષના લાંબા રિલેશન પછી તેની ગર્લફ્રેન્ડ માના સાથે લગ્ન કર્યા. 1991માં બંનેએ લગ્ન કર્યા હતા. તે સમયે સુનીલ શેટ્ટીએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here