સુપ્રીમ કોર્ટે નવા સંસદ ભવનના નિર્માણને શરતી મંજૂરી આપી, કહ્યું- પુરાતત્વ સંરક્ષણ સમિતિની સહમતિ જરૂરી

0
9

નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથેના વાંધાઓ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય આપ્યો. કોર્ટે નવા સંસદ ભવનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. અદાલતે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પર્યાવરણ મંજૂરી યોગ્ય રીતે અપાઈ હતી. આ સાથે એમ પણ કહ્યું કે કન્સ્ટ્રક્શન શરૂ કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી પણ લેવામાં આવે.

સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનું એલાન સપ્ટેમ્બર, 2019માં થયું હતું. તેમાં સંસદની નવી ત્રિકોણીય ઈમારત હશે જેમાં એક સાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સાંસદો બેસી શકશે. તેનું નિર્માણ 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધીમાં પુરું કરી લેવાશે. જ્યારે કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ 2024 સુધી પૂરું કરવાની તૈયારી છે.

5 નવેમ્બરે જ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

જસ્ટિસ એએમ ખાનવિલ્કર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેંચ આ મામલે પોતાનો નિર્ણય આપશે. આ નિર્ણય અદાલતે ગત વર્ષે પાંચ નવેમ્બરે જ સુરક્ષિત રાખ્યો હતો. જો કે ગત વર્ષે 7 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના અનુરોધ પછી કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભૂમિ પૂજનની અનુમતિ આપી હતી. કેન્દ્ર સરકારે એ માટે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે તે પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય આવે ત્યાં સુધી કોઈ બાંધકામ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ નહીં કરે. તેના પછી 10 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

સેન્ટ્રલ વિસ્ટા શું છે?

1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો

ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.

કોણ છે બિમલ પટેલ?

આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રી-ડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

ડિઝાઇન અંગે પ્રધાનમંત્રીનું બ્રીફિંગ શું હતું?

નવા પાર્લમેન્ટ હાઉસની ડિઝાઇન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલાં સૂચનો અંગે બિમલ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો આગ્રહ હતો કે નવું બિલ્ડિંગ કાર્યક્ષમ, સામાન્ય લોકો માટે સુલભ અને સંસદની તમામ આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરે એેવું હોવું જોઈએ. તેમણે આગ્રહ પણ કર્યો હતો કે સુરક્ષા વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેથી સામાન્ય લોકો આ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકે અને ભયનો અનુભવ ન કરે.

નવાં-જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોતાં ડાયમંડ લૂક આવશે

બિમલ પટેલે જણાવ્યું હતું કે આ આખા પ્રોજેક્ટમાં જૂના બિલ્ડિંગની બંને તરફ ટ્રાયેન્ગલ શેપમાં બે બિલ્ડિંગ બનશે. જૂના સંસદભવનનો આકાર ગોળ છે, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે અને એને કારણે નવાં અને જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોઈએ તો એે ડાયમંડ જેવો આકાર લાગશે. વિક્ટરી હાઉસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પાર્લમેન્ટ માટે અત્યાધુનિક સવલતો ઊભી કરવાનો છે. હાલ બંને ઈમારતોનો ઉપયોગ થવાનો છે, પણ ભવિષ્યમાં નવું બિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નવા બિલ્ડિગનાં મહત્ત્વનાં પાસાઓ

પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા હાલના સંસદભવનની બાજુમાં જ હશે અને બંને બિલ્ડિંગમાં એકસાથે કામ થશે.

અત્યારે લોકસભામાં 590 લોકો બેસી શકે છે. નવા સંસદમાં 888 લોકોને બેસવાની ક્ષમતા હશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે.

રાજ્યસભામાં હાલ 280ની સીટિંગ કેપેસિટી છે, જે વધીને 384 થશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકાશે.

બંને ગૃહોના સંયુક્ત સેશન સમયે લોકસભા હોલમાં 1,272થી વધુ લોકો બેસી શકાશે.

લોકસભા અને રાજ્યસભામાં બધા સભ્યોને બેસવા માટે અત્યાધુનિક આરામદાયક બેઠક વ્યવસ્થા હશે, જે ઓડિયો-વિઝ્યુઅલ ઈક્વિપમેન્ટ સહિતની હાઈટેક ઓફિસને સમકક્ષ હશે.

સંસદની દરેક મહત્ત્વની કામગીરી માટે અલગ અલગ ઓફિસ હશે. દરેક ઓફિસર અને કર્મચારી માટે હાઈટેક ઓફિસ સુવિધા હશે.

કાફે અને ડાઈનિંગની સગવડતામાં પણ આધુનિકતા અને મોકળાશનો ખ્યાલ રાખવામાં આવશે.

કમિટી મીટિંગના અલગ અલગ રૂમ્સને હાઈટેક ઈક્વિપમેન્ટથી સજ્જ કરવામાં આવશે.

કોમન રૂમ્સ, મહિલાઓ માટે લાઉન્જ અને VIP લાઉન્જ.

નવા પ્રોજેક્ટમાં આ 8 વાત ખાસ હશે

નવું સંસદભવન હાઈ એનર્જી એફિશિયન્સી સાથેનું હશે. એને ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ પણ મળશે.

લોકસભા અને રાજ્યસભા હોલમાં અત્યંત હાઈ ક્વોલિટી એકોસ્ટિક (ધ્વનિશાસ્ત્ર) હશે.

બિલ્ડિંગની સલામતી માટે ઝોન-5ના સેફ્ટી સ્ટાન્ડર્ડ અપનાવવામાં આવ્યા છે.

એરકંડિશનિંગ, લાઈટિંગ, ઇલેક્ટ્રિક સાધનો સરળતાથી અપગ્રેડ થઈ જશે.

આ બિલ્ડિંગનું મેઇન્ટેનન્સ અને સંચાલન સરળ રીતે થઈ શકશે.

VVIP માટે અન્ડરગ્રાઉન્ડ પ્રવેશ, જયારે જાહેર જનતા અને અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પરથી એન્ટ્રી હશે.

દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી આ બિલ્ડિંગનો ઉપયોગ કરી શકે એેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

હોલમાંથી ઇમર્જન્સીમાં સરળતાથી અને અસરકારક રીતે બહાર નીકળવાનો રસ્તો રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here