રાજકોટ આગની ઘટના પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર, કહ્યું – જવાબદાર કોણ ?

0
7

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે.આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવી છે. સુપ્રીમે ઘટનાને ગંભીરતાથી લઇ સરકાર સામે સવાલો કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પાંચ લોકોના મોત પર સરકાર તેમજ પ્રસાસન સામે સવાલો કર્યો છે. ફિટકાર વર્ષાવતા કહ્યું કે જવાબદાર તંત્ર શું કરી રહ્યું હતુ…? સાથે ઉચ્ચ અદાલતે એમ કહ્યું કે, આગથી બચવાના સાધનો કેમ નહોતા ? લોકોના મોત માટે જવાબદાર કોણ ?

બીજી તરફ, આગ લાગ્યા બાદ રાજકોટનું તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં છેલ્લા બે મહિનામાં 200થી વધારે હોસ્પિટલોમાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનોને લઇને તપાસ હાથ ધરાઇ છે. 200 પૈકી 58 હોસ્પિટલોને નોટિસ અપાઇ છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 8 જેટલા બિલ્ડીંગમાં ફાયર સાધનો પૂરા કરવા નોટિસ અપાઈ છે.

ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં આગ, 13 ના મોત

ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. ત્યારે સરકાર દ્વારા એક પણ હોસ્પિટલમાં હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. માત્ર તપાસનો દોર યથાવત છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ ઓગસ્ટ મહિનામાં બન્યો હતો. 4 મહિના થયા હોવા છતા જવાબદાર લોકો સામે હજુ સુધી પગલાં લેવામાં  આવ્યા નથી. શ્રેય આગકાંડમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 નિર્દોષના જીવ હોમાયા હતા. જ્યારે પણ આગની મોટી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા બે દિવસમાં હરકતમાં રહી કામગીરી કરવામાં આવે છે. પરંતું ત્યારબાદ તંત્ર પણ જૈસે થે વૈસેની સ્થિતિમાં આવી જાય છે. આગની ઘટનામાં નિર્દોષના જીવ હોમાય છે.

પરંતુ સરકાર જવાબદાર લોકો સામે ક્યારે પગલાં ભરશે તે પણ એક સવાલ છે. ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં કુલ 13 લોકોના મોત નિપજ્યા છે.