ટ્રિપલ તલાકના કાયદાની યોગ્યતા ચકાસવા સુપ્રીમ તૈયાર: કેન્દ્રને નોટિસ

0
0

સુપ્રીમ કોર્ટ  નવા બનેલા ટ્રિપલ તલાક કાયદાની યોગ્યતા ચકાસવા માટે સંમત થઈ ગઈ છે અને આ મુદ્દે તેણે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ટ્રીપલ તલાકના નવા કાયદા હેઠળ મુસ્લિમોમાં ત્રણ વખત તલાક બોલીને અપાતા તાત્કાલિક તલાકને ત્રણ વર્ષની જેલની જોગવાઈ સાથે દંડાત્મક ગૂનો ગણાવાયો છે.

ન્યાયાધીશો એન. વી. રમણ અને અજય રસ્તોગીને સમાવતી બેન્ચે ધી મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓફ મેરેજ) એક્ટ ૨૦૧૯ બંધારણની જોગવાઈઓનો કથિત ભંગ કરતો હોવાના ધોરણે ‘ગેરબંધારણીય’ જાહેર કરવા માગણી કરતી અરજી અંગે કેન્દ્રને નોટિસ પાઠવી છે. બેન્ચે અરજદારો વતી હાજર થયેલા વકીલ સલમાન ખુરશીદને જણાવ્યું કે, ‘અમે આ મુદ્દે તપાસ કરીશું.’

ખુરશીદે જણાવ્યું કે નવા કાયદામાં દંડાત્મક ગૂના અને ત્રણ વર્ષ સુધીની કેદ સહિતના અનેક પાસાઓને સર્વોચ્ચ અદાલતે ચકાસવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકની પદ્ધતિને રદ કરી છે ત્યારે અરજદારો નવા કાયદામાં મુસ્લિમોમાં પ્રચલિત ટ્રીપલ તલાકની પદ્ધતિને દંડાત્મક ગૂનો બનાવવા અંગે ચિંતિત છે.

ટ્રીપલ તલાક જેવી કોઈ વસ્તુ ન હોય તો કેન્દ્ર કઈ બાબતને ગૂનાઈત બનાવે છે તેમ તેમણે બેન્ચને જણાવ્યું હતું અને તેમણે આ મુદ્દે પાંચ જજની બંધારણીય બેન્ચના ચૂકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે મુસ્લિમોમાં પ્રચલિત ટ્રીપલ તલાકની પદ્ધતિને રદ જાહેર કરી હતી.

આ સંદર્ભમાં બેન્ચે પૂછ્યું હતું કે ધાર્મિક પદ્ધતિને રદ જાહેર કરાઈ હોય અને તેને દહેજ અને બાળલગ્નની જેમ ગૂનો જાહેર કરાઈ હોય, પરંતુ તે હજી પણ ચલણમાં હોય તો તેનો ઉકેલ શું લાવી શકાય?

આ સંદર્ભમાં ખુરશીદે જણાવ્યું કે કેટલાક પાસાની તપાસ થવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ ધાર્મિક પદ્ધતિમાં મહિલાઓના અધિકારોને નકારાયા છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.

બેન્ચે ટ્રીપલ તલાકના નવા કાયદાને તપાસવા સંમતિ દર્શાવી છે ત્યારે તેણે નોંધ્યું હતું કે અરજદારોએ ત્રણ વર્ષ સુધીની કેદ અને કોર્ટ દ્વારા મહિલાને સાંભળવામાં આવ્યા બાદ જ પતિને જામીન મંજૂર કરવા અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

અરજીમાં જણાવાયું છે કે પતિને જેલની જોગવાઈ પૂરી પાડીને કાયદાએ લગ્નની પવિત્રતા જાળવી નથી અને તે લગ્નસંસ્થાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. નવા કાયદાની યોગ્યતાને પડકારતી કુલ ચાર અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે.

બે મુસ્લિમ સંસ્થાઓ જમિયત ઉલેમા-એ-હિન્દ અને સમસ્ત કેરળ જમિયત-ઉલ-ઉલેમા, કેરળમાં સુન્ની મુસ્લિમ વિદ્વાનો અને મૌલવીઓની ધાર્મિક સંસ્થાએ આ મહિને નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

જમિયત-ઉલેમા-એ હિન્દે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મુસ્લિમ પતિઓ દ્વારા અપાતા ‘તલાક-એ-બિદ્દત’ (ટ્રીપલ તલાક) અથવા તાત્કાલિક અસરથી તલાક અપાતા કોઈપણ સ્વરૂપને દંડાત્મક ગૂનો બનાવતા કાયદાને મંજૂરી આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here