સુરત : ઉધના પાણી પુરવઠામાં કામ કરતાં યુવકે પત્નીને વીડિયો કોલ કરી ઝેરી દવા પીધી

0
57

સુરતઃઉધના પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતો યુવક પત્નીને વીડિયો કોલ કરીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બુધવારે બપોરે કતારગામ મોટી વેડ તાપી નદીના કિનારેથી યુવકનો મૃતદેહ મળી આવતાં 108ને જાણ કરાઈ હતી. હાલ પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

પત્નીએ જાણ કરતાં શોધખોળ હાથ ધરી

ઉગત ગામ રાંદર ખાતે રહેતો અને પાણી પુરવઠામાં નોકરી કરતો કિશન દેવજી વાળા (ઉ.વ.આ.38)ના કતારગામ મોટી વેડ નદીના કિનારેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આપઘાત પહેલા મૃતક કિશને વતન ગયેલી પત્ની સાથે વીડિયો કોલથી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન પત્ની સામે જ ઝેરી દવાના પડીકા ખોલી પી ગયો હતો.પત્નીએ તાત્કાલિક આ બાબતની જાણ સાસરિયાઓને કરતા જેઠ અને દિયર કિશનની શોધખોળ કરી રહ્યા હતાં.તે દરમિયાન તાપી નદીના કિનારેથી કિશનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.

આપઘાતનું કારણ અકબંધ

મૂળ ભાવનગર પાલીતાણા નો રહેવાસી કિશનનું બાઈક કેનાલ પરથી મળી આવ્યું હતું. દવા પીધા બાદ 50 મીટર ઘસડાઈને કિશન તાપી નદી તરફ ગયો હતો.દવા પીધા બાદ તફડતી હાલતમાં ઘાસ પણ ઉખાડી કાઢ્યું હતું.ગીતા સાથે લગ્નના 10 વર્ષ થઈ ગયા હતાં. પરંતુ કોઈ સંતાન નહોતું. પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડો પણ નહોતો. કાયમી કર્મચારી હોવાથી રૂપિયાની પણ કોઈ તંગી નહોતી. પાકિટમાંથી 150 રૂપિયા અને આધારકાર્ડ મળ્યું હતું. આપઘાતના ઘુંટાતા રહસ્ય વચ્ચે કારણ અકબંધ રહ્યું છે. વીડિયો કોલમાં તાપી નદી દેખાયા બાદ સુરત રહેતા ભાઈ અરવિંદ અને તેના મિત્રોએ તાપી નદી કિનારે શોધખોળ કરી ત્યારે 3 કલાક બાદ ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે.