CCTV : સાયણના મિલ્ક પાર્લરનું શટર ઊંચું કરી 70 હજારની ચોરી

0
37

સુરતઃ સાયણ વિસ્તારમાં ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે, છતાં ચોરીની ગંભીર ઘટના બાબતે પોલીસ નિષ્ક્રિય બનતા ચોર ટોળકી બિન્દાસ બની ચોરીની ઘટનાને ઉપરા છાપરી અંજામ આપી રહી છે. સાયણ મેઈન રોડ પર આવેલ દૂધ પાર્લરમાં વહેલી સવારે ચોર ટોળકીએ આવી બિન્દાસ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અને સીસીટીવી આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોર ટોળકી સક્રિય થઈ

ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં લાંબો સમયથી ચોર ટોળકી સક્રિય થઈ છે. ચોરીની ઘટનાને અંજામ આપવામાં ચોર ટોળકીના સીસીટીવી ફૂટેજ હોવા છતાં ઓલપાડ પોલીસ આજદિન સુધી ચોર ટોળકીનું પગેરું મેળવી શકી નથી. બિન્દાસ બનેલી ચોર ટોળકી હવે બેફામ બની ફોર વ્હીલર કારમાં હથીયાર સાથે સાયણ વિસ્તારમાં આવી બિન્દાસ શિકાર શોધે છે. ગત સપ્તાહે સાયણ ગામના ગાયત્રી અને અંબિકા તથા સાફ્લ્યા સોસાયટી સાથે ખલીપોર ગામમાં આવેલી ટોળકીના રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજમાં ચોર ટોળકી જોવા મળતા ગામજનો ફફડી ઉઠ્યા છે.

તિજોરી ઉંચકીને લઈ ગયા

સોમવારની વહેલી સવારે 4.15 કલાકે સાયણ સુગર રોડ પર આવેલા ઠાકોરદ્વાર કોમ્પ્લેક્ષમાં ભારુંદી ગામ સેવા સહકારી મંડળી સંચાલિત સુમુલ દૂધ પાર્લરને નિશાન બનાવ્યુ હતું. સવારે સુમુલ ડેરીનાં ટેમ્પોમાં આવેલા દુધના માલની ડિલેવરી લઈને પાર્લરમાં કામ કરતો યુવક પોતાના રૂમ પર ગયો અને મારુતી ઇકો ફોરવ્હીલ કારમાં આવેલી ચોર ટોળકીએ પાર્લરની સટર તોડી એક બુકાનીધારી અંદર પ્રવેશી પાર્લરની રેકી કરી હતી. બહાર ઉભેલા અન્ય 4 ચોરને બોલાવી પાર્લરમાં અંદરના ભાગે રાખેલ ટેબલના ખાના તોડી તેમાં રાખેલી રોકડ રકમ સાથે અન્ય એક તિજોરીને ઉંચકીને સાથે લઈ ભાગી છુટ્યા હતા.

પોલીસની નિષ્ક્રિયતા સામે આવી

વહેલી સવારથી વાહનો અને રાહદારીઓની અવર જવર હોવા છતાં ચોર ટોળકીએ બિન્દાસ રીતે આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાબતે પાર્લરને ભાડાપેટે રાખનાર ભારુંદી ગામના ચેતનભાઈ મનહરભાઈ પટેલ એ દુકાને આવી ચોરીની ઘટના બાબતે પાર્લરમાં તપાસ કરી હતી. અને રોકડ 2 હજાર અને તિજોરી મળી અંદાજીત 70 હજારનાં માલમતાની ચોરી થવાની બાબત સાયણ ચોકીના જમાદારને ટેલીફોનીક જાણ કરવા છતાં ઘટના સ્થળે પોલીસ ન આવી હતી. અંતે ઉપરી અધિકારીને ફોન કરી ઘટના બાબતે માહિતગાર કરતા ચોરીની ઘટના બની વહેલી સવારે 4.15 વાગ્યે અને પોલીસ બપોરે 12 વાગ્યે એટલે ઘટના બન્યાના 8 કલાક બાદ આવી હતી. ચોરીની ઘટના બાબતે પોલીસ કોઈપણ પ્રકારે ગંભીર નથી એવું સાબિત થયું છે.

30થી 35 વર્ષના પરપ્રાંતીય યુવકોની ટોળકી

સાયણ વિસ્તારમાં જોવા મળેલ અને સોમવારની સવારે સુમુલ પાર્લરમાં ચોરીની ઘટનાને અંજામ આપવાની ઘટના સી.સી.ટીવી માં રેકોર્ડ થયેલી આખી ઘટનામાં ચોર ટોળકી એકજ હોવાનુ નોધાયું છે. તમામ ચોર 30 થી 35 વર્ષની ઉંમરના પરપ્રાંતીય યુવાનો છે. ફોર વ્હીલર કારમાં હથીયાર સાથે બુકાની બાંધીને આવતા હોવાની ઓળખ મળી છે. આટલું જ નહી પણ ચોર ટોળકીને ચોરીમાં કોઈ કીમતી ચીજ વસ્તુ નહી પણ રોકડ રકમ શોધતી હોવાનું પણ તમામ ચોરીએ નોધાયું છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

સાયણ સુમુલ પાર્લરમાં ચોરી થવાની ઘટના બાબતે જાણ થતા મેં સત્વરે મારી પોલીસને ઘટના સ્થળે મોકલી આપી હતી. આટલું જ નહી પણ ચોરીનાં રેકોર્ડ થયેલા ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. જયારે સાયણ વિસ્તારમાં આવતી ટોળકીએ અન્ય જગ્યા પર પણ ચોરીની ઘટનાને અંજામ આપેલો હોઈ જીલ્લાની અન્ય પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.
– સંતોષ ધોભી, પી.એસ.આઈ ઓલપાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here