- CN24NEWS-28/06/2019
સુરતઃવડીલોપાર્જિત મિલકતના નવા નંબર મેળવવા માટે સિટી સરવેની કચેરીમાં અરજી કરનારી વ્યક્તિ પાસેથી લાંચ પેટે રૂ. 1 લાખની માંગણી કર્યા બાદ રૂ. 65 હજારમાં નક્કી કર્યું હતું. જે રકમ સ્વીકારવા માટે અરજદારને ઉધના દરવાજા પાસે બોલાવ્યા હતા. સિટી સર્વેયરને ગંધ આવી જતાં તે અરજદારને રસ્તા વચ્ચે ઊભા રાખી ત્યાં ફરક્યો જ નહીં. આખરે એસીબીની ટીમે તેની સામે ગુનો નોંધી તેને પકડી પાડ્યો હતો.
1 લાખની લાંચ માંગી હતી
ફૂલપાડા વિસ્તારમાં એક વડીલોપાર્જિત મિલકત એટલે કે મકાનના નવા નંબર માટે સિટી સરવેમાં નોંધણી માટે એકાદ વર્ષ પૂર્વે અરજી કરી હતી. જે અરજીનો નિકાલ કરી કામ પૂરું કરી આપવાના બદલામાં સિટી સર્વેયર રાહુલચકુ મકવાણા (રહે: એ-5, ગવર્નમેન્ટ ક્વાટર્સ, ખટોદરા કોલોની, જૂની સબ જેલ પાસે, રિંગરોડ)એ અરજદાર પાસે રૂ. 1 લાખની લાંચની માગણી કરી હતી. આ રકમ વધુ હોવાની વાત કરી રકઝક કરતા આખરે રૂ. 65 હજાર આપવાનું નક્કી થયું હતું.
ગુનો નોંધી તપાસ હાથ ધરી
નક્કી કરેલી લાંચની રકમ લઇ સિટી સર્વેયર રાહુલે અરજદારને ઉધના દરવાજા, એપલ હોસ્પિટલ નજીક ગુરુવારે સાંજે બોલાવ્યા હતા. અરજદાર સાથે અન્ય એક વ્યક્તિને જોઇ રાહુલને ગંધ આવી ગઈ. જેથી તે રકમ સ્વીકારવા આવ્યો નહીં પણ ફોન કરીને થોડે આગળ જઈ ઊભા રહેવા કહ્યું. આ રીતે અરજદાર થોડે દૂર જઈ ઊભા તો રહ્યા પણ રાહુલ ફરક્યો જ નહીં. તે બારોબાર ભાગી ગયો હતો.આ સમગ્ર ઘટનાના એસીબી પાસે પુરતા પુરાવા ઉપલબ્ધ બનતા એસીબીની ટીમે રાહુલ સામે ગુનો નોંધી તેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. જેમાં તે પકડાઈ ગયો હતો.