મેઘ મહેર : ભારે વરસાદથી ઉકાઈને બાદ કરતાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયાં

0
81

સુરતઃદક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. જળસંચય અને સિંચાઈ માટે બનાવાયેલા દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવર ફ્લો થઈ ગયા છે. તાપી નદી પર બનાવાયેલા ઉકાઈની સપાટીમાં પણ ક્રમશઃવધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમ 300ની સપાટી વટાવીને 303ની સપાટીએ પહોંચી ગયો છે. જો કે ઉકાઈનું રૂલ લેવલ હજુ દૂર છે. ડેમ અને જળાશયો ઓવરફ્લો થઈ જતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

મધુબન ડેમ ઓવરફ્લો

વલસાડની દમણગંગા નદી પર આવેલો મધુબન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપવાસ અને વલસાડમાં પડી રહેલા વરસાદના પગલે મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. ડેમમાં પાણીની આવક 99,518 ક્યુસેક અને દરવાજા ખોલીને 84,097 ક્યૂસેકની જાવક કરવામાં આવી રહી છે. હાલ ડેમની સપાટી 73.35 મીટર પહોંચી ગઈ છે.

કેલીયા ડેમ ઓવર ફ્લો

વાંસદામાંથી વહેતી ખરેરા નદી પરનો કેલીયા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. ખરેરા નદી અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો છેલ્લા ચારેક દિવસથી થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે.

ડોસવાડા,મધર ઈન્ડિયા, કાકરાપાર ઓવરફ્લો

સોનગઢમાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. સાથે જ મધર ઈન્ડિયા ડેમ ત્રણ દિવસ અગાઉ ઓવર ફ્લો થઈ ગયો છે. તાપી નદી પર આવેલો કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. નવસારીનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગમાં પાણી આપી શકાય તેમ જ લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે.

નદીઓની સ્થિતી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ઔરંગા-ભૈરવી નદી 2.80મીટર, ઔરંગા-અબ્રામા 4.88મીટર, પાર 2.50 મીટર, તાન 1.20 મીટર, માન 1.00મીટરના લેવલ પર વહી રહી છે. નદીઓના જળસ્તરમાં વધારો થતાં જ આસપાસના વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં પડેલો સિઝનનો કુલ વરસાદ

ચોમાસુ શરૂ થયું ત્યારથી વરસાદે થોડુ ખેંચાવ્યું હતું. જૂન મહિનાની કસર જુલાઈ મહિનાએ પુરી કરી દીધી છે. વલસાડમાં જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં સિઝનનો હાલ 61 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો 31.68 ઈંચ વરસાદ નોંધાયો છે.તાપી જિલ્લામાં સરેરાશ વરસાદ 36 ઈંચ જેટલો નોંધાયો છે.વરસાદના ઘર મનાતા ડાંગમાં સિઝનનો અત્યાર સુધીનો 50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.નવસારીમાં એકંદરે 43 ઈંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here