સુરત:ધોરણ 7ની 13 વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું

0
4

શહેરના ઉધના ગાંધી કુટીરમાં એક ધોરણ 7ની 13 વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. 15 દિવસ બાદ વતન ઓરિસ્સા જવાની તૈયારી કરતા માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કરી લેનાર સૃતિને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પણ દીકરીના મૃતદેહને લઈ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા પરિવારને કફન સુદ્ધા ન અપાયું અને એક કલાક રઝળ્યાં હોવાનું સામે આવ્યું છે. સફાઈ કર્મચારીઓની હડતાળને લઈ મૃતદેહ ટ્રોમા સેન્ટરથી 200 મીટર દૂર પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે મેડિકલ ઓફિસરે 108 બોલાવવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

માતા-પિતાને દીકરી લટકતી હાલતમાં મળી
કાના સુરથભાઇ જૈના (મૃતક સૃતિનો ભાઈ, રહે. ગાંધી કુટીર, ઉધના પ્લોટ નંબર 628) એ જણાવ્યું હતું કે, તેઓ ઓરિસ્સાના વતની છે અને સુરતમાં સંચા કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. ગુરૂવારની મોડી સાંજે માતા-પિતા બહેન સૃતિને ઘરમાં છોડી બજારમાં કપડાં અને સામાનની ખરીદી કરવા ગયા હતા. પરત આવ્યા બાદ સૃતિ ઘરમાં હુક અને નાયલોનની દોરી પર લટકતી હાલતમાં મળી આવી હતી. પપ્પા સૃતિને એટલું જ કહીને ગયા હતા કે, ભાઈ આવે એટલે તેને જમાડી દેજે, ત્યારબાદ હું કામ પર ચાલી ગયો હતો. જોકે, બહેનના આપઘાતની જાણ થતા જ હું દોડીને ઘરે આવી ગયો હતો અને તાત્કાલિક બહેનને 108માં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

કફન વિના જ મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં 1 કલાક રઝળતો રહ્યો.
કફન વિના જ મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં 1 કલાક રઝળતો રહ્યો.

સિવિલમાં ખરેખર માનવતા મરી જ પરવારી
વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ આવ્યા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે, અહીંયા સફાઈ કામદારોની હડતાળ છે એટલે સ્મીમેર લઈ જાવ, જેને લઈ 108ના કર્મચારીએ વિરોધ કરી સૃતિને સ્ટ્રેચર પર છોડી ચાલી ગયા હતા. ત્યારબાદ સૃતિની મેડિકલ તપાસ કરી ડોક્ટરોએ મૃત હોવાની જાણ બાદ રઝળતા છોડી દીધા હતા. કફન વગર સૃતિનો મૃતદેહ ટ્રોમામાં સ્ટ્રેચર પર એક કલાક સુધી રઝળતો રહ્યો હતો. ત્યારબાદ બીજા એક ડોક્ટરે આવીને પૂછપરછ કરી અને તાત્કાલિક 108માં જણ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્યારબાદ સૃતિનો મૃતદેહ કફન વગર જ ટ્રોમા સેન્ટરથી 200 મીટર દૂર પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવાયો હતો. જ્યાં 108ના કર્મચારીએ મદદ કરતા મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં મદદ મળી હતી. ત્યારે જાણ્યું કે, સિવિલમાં ખરેખર માનવતા મરી જ પરવારી છે.

માતા-પિતાને દીકરી હુકમાં નાયલોનની દોરી સાથે લકટતી હાલતમાં મળી આવી હતી.
માતા-પિતાને દીકરી હુકમાં નાયલોનની દોરી સાથે લકટતી હાલતમાં મળી આવી હતી.

આપઘાત પાછળનું કોઈ કારણ મળ્યું નથી
સૃતિ ધોરણ-7ની વિદ્યાર્થીની હતી અને આખું પરિવાર 15 દિવસ બાદ વતન ઓરિસ્સા જવાની તૈયારી કરતો હતો. 1 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાની એક સામાજિક વિધિને લઈ ઓરિસ્સા જવાનું આયોજન કરાયું હતું. એટલું જ નહીં પણ બધા જ માટે નવા કપડાં અને સામાન ખરીદવાની તૈયારી ચાલતી હતી. સૃતિના આપઘાત પાછળનું કોઈ કારણ મળ્યું નથી. જોકે પોલીસે તપાસ હાથ ધરી છે.

માતા-પિતા અને ભાઈનું સિવિલ હોસ્પિટલ ખાતે હૈયાફાટ રૂદન.
માતા-પિતા અને ભાઈનું સિવિલ હોસ્પિટલ ખાતે હૈયાફાટ રૂદન.
મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે 108 બોલાવવાની ફરજ પડી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે 108 બોલાવવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here