સુરતઃરાંદેર વિસ્તારમાં રહેતા સગીરાને તેના ભાઈના મિત્રએ પ્રેમજાળમાં ફસાવી પ્રેગનન્ટ કરી હતી. સગીરાને આઠ માસના ગર્ભ બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સગીરાએ 2 કિલો 100 ગ્રામની બાળકીને જન્મ આપતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.સગીરાને પેટ બહાર ન દેખાતા પરિવારને જાણ નહોતી થઈ. જો કે, સગીરાએ બાળકીને જન્મ આપ્યા બાદ ગર્ભવતી કરનારા યુવકે દીકરી સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી સગીરાના પરિવારે ડીએનએ કરાવી ન્યાયની માંગ કરી છે.
પરિવાર સગીરાના ગર્ભથી અજાણ હતું
રાંદેર ખાતે રહેતા શ્રમજીવી પરિવારના સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ પતિ પત્ની સવારે સાત સાંજના સાતની નોકરી કરે છે. ચાર સંતાનોમાં સગીરા ત્રીજા નંબરની છે. સગીરાને આઠ માસનો ગર્ભ હોવા છતાં તેનું પેટ દેખાતું નહોતું. પેટ સાધારણ હોવાથી તેને ખ્યાલ આવ્યો નહોતો. જો કે, આજે પીડા તથાં માતા સાથે સગીરા 11.20 વાગ્યે એફ-વન વોર્ડમાં દાખલ થઈ હતી. ત્યારબાદ બપોરે 12.10 વાગ્યે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ભાઈના મિત્ર સાથે આંખ મળેલી
સગીરાએ બાળકીને જન્મ આપ્યા બાદ જણાવ્યું હતું કે, તેના મોટાભાઈના મિત્ર અને સીએનજી પંપ પર નોકરી કરતાં પિંકલ નામના યુવક સાથે તેની આંખ મળી ગઈ હતી. સગીરા પાર્લરમાં નોકરી કરતી હતી. બે મહિનાનો ગર્ભ રહ્યાની સગીરાને જાણ થઈ તો તેણે પ્રેમીને હકીકત જણાવી હતી. જો કે, બાદમાં યુવકે સગીરાનો ફોન નંબર બ્લોક કરી દઈ સંબંધો કાપી નાખ્યા હતાં. જેથી ડરના માર્યા સગીરાએ કોઈને જાણ નહોતી કરી.
પ્રેમીએ હાથ ઉંચા કર્યા
સિવિલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારના સભ્યો પિંકલને લઈ આવ્યાં હતાં. પરંતુ પિંકલે દીકરી સ્વિકારવાની ના પાડી હતી. સાથે જ જોર જબરદસ્તી કરશો તો આત્મહત્યા કરી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.સગીરાનો મોટા ભાઈ તેનો દોસ્ત હોવાથી તેમણે યુવકના અન્ય લફરા અંગે જણાવતાં કહ્યું હતું કે, મને નહોતી ખબર કે મારો જ દોસ્ત મારી બહેન સાથે પણ આવું કરી રહ્યો છે.
ન્યાયની માંગ
પરિવારે ન્યાયની માંગ કરતાં એમએલસી કરીને રાંદેર પોલીસને જાણ કરી છે. સગીરાના પિતાનું કહેવું છે કે, મારા પણ પ્રેમ લગ્ન થયા હતાં. તેની દીકરી દાદી પાસે ગોરખપુર રહેતી હતી અને દોઢ વર્ષ અગાઉ જ સુરત આવી હતી. અમારી હવે એક જ માંગ છે કે, ડીએનએ ટેસ્ટ દ્વારા પોલીસ અમને ન્યાય અપાવીને યુવક તેનો સ્વિકાર કરે.