ઉતરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે પતંગો અત્યારથી જ આકાશમાં ચડવા લાગી છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં પતંગની કાતિલ દોરીથી કબૂતર ઈજાગ્રસ્ત થાય છે. હેપ્પી પેલેસ પાસે પતંગના કાતિલ દોરાથી કબૂતરને ઈજા પહોંચી હોય છે. ઉંચે ઝાડ પર ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા કબૂતરને સારવાર અર્થે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવે છે. ફાયરબ્રિગેડના જવાનોએ કબૂતરની દોરી બહાર કાઢીને તેનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયરબ્રિગેડની સાથે સાથે જીવદયા સંસ્થા દ્વારા કબૂતરને બચાવીને સારવાર માટે લઈ જવામાં આવ્યું છે.
પતંગના દોરામાં કબૂતર ફસાયું
માતાવાડી વિસ્તારમાં આવેલા હેપ્પી પેલેસ પાસે કપાયેલા પતંગના દોરોમાં અટવાઈને કબૂતર ઝાડ પર ટીંગાયેલી હાલતમાં જોવા મળ્યું હતું. જેથી સ્થાનિકોએ ફાયરબ્રિગેડની જાણ કરી હતી. ફાયરબ્રિગેડના જવાઓએ સીડી મારફતે ઉંચે ઝાડ પર લટકતા પક્ષીને નીચે ઉતાર્યું હતું. પક્ષી દોરામાં ફસાઈ ગયું હતું. જેથી દોરા દૂર કરવામાં આવ્યાં હતાં.
જીવદયા સંસ્થાએ સારવાર આદરી
ફાયરબ્રિગેડના જવાનોએ પક્ષીને નીચે ઉતારીને દોરા દૂર કર્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર અર્થે જીવદયા સંસ્થાને સોંપી દેવામાં આવ્યું હતું. જીવદયા પ્રેમી સંસ્થા કબૂતરની સારવાર કરીને સાજું થયા બાદ ફરીથી ખુલ્લા આકાશમાં ઉડવા માટે મૂકી દેશે.