સુરતઃ જંહાગીરપુરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પત્નીને સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપવામાં આવતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો પતિની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દુષ્પ્રેરણાની ફરિયાદ બાદ પતિની ધરપકડ
જહાંગીરપુરા વિસ્તારમાં કોમલે દોઢ વર્ષ પહેલાં દિપક રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પરિવાર સાથે રહેતી હતી. લગ્ન જીવન દરમિયાન સંતાન ન થતા ડામ આપવામાં આવ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી. અને ગત પાંચ જુલાઈના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના મૃતકની માતાએ આક્ષેપ કર્યો હતો. અને દીકરીના પતિ ગત રોજ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી પતિની ધરકપડ કરી છે. અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગણદેવી નજીક ડામ આપ્યા
પરિવારે જણાવ્યું હતું કે, કોમલ પર પતિ દિપક આડાસંબંધનો વહેમ હતો. જેથી તે માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરીયાની બીમારી હતી જેને લીધે તેને પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી ગણદેવી નજીક ભુવા પાસે ડામ અપાવા લઈ ગયા હતા. અને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને આકરું પગલું ભરી લીધુ હતું.
વિજ્ઞાન ટેક્નોલોજીના યુગમાં અંધશ્રધ્ધા
એકવીસમી સદીમાં પણ લોકો અંધશ્રધ્ધામાંથી બહાર આવવાનું નામ નથી લઈ રહ્યાં.વિજ્ઞાન અને ટેક્નોલોજીના આટલી પ્રગતિ અને વિકાસ થયો હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરવાની જગ્યાએ હજુ પણ ભૂત, ભૂવાનો આધાર લઈને ડામ આપવા જેવી અંધશ્રધ્ધાનો આશરો લેતા હોવાનું અવાર નવાર સામે આવી રહ્યું છે.