સુરત : બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા માર્યા

0
2

સુરત શહેરના કતારગામની નિલકંઠ સોસાયટીમાં બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો. પત્નીને છુટાછેડાને લઈને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની લ્હાયમાં ટેક્સટાઇલના જોબવર્ક સાથે સંકળાયેલા વેપારીએ હત્યા સુધી પહોંચાડી દીધો હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. બનેવી દ્વારા કરાયેલા હુમલામાં મૃતક જયેશભાઇના નાનાભાઈ, એમની સગર્ભા પત્ની, માતા અને વિધવા થઈ ગયેલી જયેશભાઇની પત્નીને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રેમિકાને પામવા માટે છૂટાછેડા લેવા માગતો હતો

રાઘવભાઈ (મૃતકના કાકા) એ જણાવ્યું હતું કે ભત્રીજી પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલાં મહેશ મધુભાઈ જાંજમેરા સાથે થયા હતા. જોકે, જમાઈ મહેશ કેટલાક સમયથી બીજી યુવતીના પ્રેમમાં પડ્યો હતો. જેની જાણ બાદ એ પત્ની પ્રીતિને છૂટાછેડા આપી દેવા માગતો હતો. એટલું જ નહીં પણ આ મુદ્દે 3-4 વાર મહેશ અને તેનું પરિવાર વેવાઈના ઘરમાં ઘૂસીને ધમકાવવાનો પ્રયાસ કરી છૂટાછેડા આપવા દબાણ કરી ગયો હતો.

ચપ્પુના ઘા મારી સાળાની હત્યા કરી

વધુમાં જણાવ્યું હતું કે મંગળવારની સાંજે જમાઈ મહેશ અને એનું પરિવાર પિયરમાં આશ્રય લેનાર પ્રીતિને મળવા આવ્યું હતું અને છૂટાછેડાની વાત ઉપાડી ધમાલ કરી હતી. સાથે સાથે પ્રીતિ અને એના પરિવારની મહિલાઓ જેમ કે ભાભી, માતાને પણ માર માર્યો હતો. માર્કેટમાંથી સાંજે ઘરે ગયેલા જયેશ અને એમના નાના ભાઈ નિતેશને આ બાબતની જાણ થતા તેઓ બનેવીને સમજાવવા ગયા હતા. ત્યારે બનેવીએ સોસાયટી બહાર જ જયેશ અને નિતેશ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરા ઉપરી ઘા મારતા બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા. એટલું જ નહીં પણ ઘરની મહિલાઓ ને પણ જાહેરમાં લાકડાના ફટકા વડે માર મરાયો હતો.

આખું પરિવાર હોસ્પિટલ પહોંચી જતા સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા.

આખું પરિવાર હોસ્પિટલ પહોંચી જતા સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા.

સાળાને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

વધુમાં ઉમેર્યું હતું. મંગળવારની સાંજે બનેલી આ ઘટના બાદ બન્ને ભાઈઓ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ આવતા જયેશભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે નાના ભાઇ નિતેશને તત્કાલિક ખાનગીમાં ખસેડી દાખલ કરી ઓપરેશનમાં લેવાયા હતા. જયેશભાઇને છાતીમાં 3 અને પેટમાં 1 ઘા અને નિતેશને છાતી અને કમર પર 3-4 ઘા મરાયા હતા. જયેશભાઇ ટેકસટાઇલમાં જોબવર્ક સાથે સંકળાયેલા હતા.

પરિવારના 4 સભ્યોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પરિવારના 4 સભ્યોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક વર્ષ પહેલાં પત્નીને કાઢી મૂકી હતી

વધુમાં જાણવા મળ્યું હતું કે જયેશભાઇની બહેન પ્રીતિને એક 17 વર્ષની દીકરી સાથે બે સંતાન છે. પ્રેમિકાને પામવા મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. બાળકો પણ આપ્યા ન હતા. આ બાબતે પોલીસ સ્ટેશનમાં કેસમાં ચાલી રહ્યો છે. એક વર્ષમાં લગભગ ચારવાર મહેશે સાળાઓ સહિત તમામ સાસરિયાંઓને ધમકાવી છૂટાછેડા લેવાનો પ્રયાસ પણ કર્યો છે. 5 દિવસ પહેલાં પણ મહેશે સાસરીમાં ધમાલ મચાવી છૂટાછેડા આપી દો નહિતર એકને તો હું કાપી જ નાખીશ એવી ધમકી પણ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here