સુરત : રોંગ નંબર લાગ્યા બાદ મહિલાને અપશબ્દો કહેનારને ચપ્પુના ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

0
4

લોકડાઉનમાં મિત્રના સીમકાર્ડથી લાગેલા રોંગ નંબર ઉપર મહિલાને અપશબ્દો કહેતા તેની અદાવતમાં ગતસાંજે કેમ બહુ ફોન કરે છે કહી સોસાયટીના જ માથાભારે યુવાન સહિત ત્રણ જણાએ ઉધનાના યુવાનને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં ઉધના વિજયાનગર વિભાગ 1 ઘર નં.26 માં રહેતો 30 વર્ષીય અજય રીભાઇ વાદુરવાઘ બીઆરસી લક્ષ્મીનારાયણ મંદિર પાસે ફોલ્ડીંગનું કામ કરે છે. લોકડાઉનમાં અજયે મિત્ર અમુલ આંબોરેનો સીમકાર્ડ પોતાના મોબાઇલમાં વાપરવા લોધો હતો. તે સમયે એક રોંગ નંબર ડાયલ થયો હતો અને તે કોઈ મહિલાનો હોય અજયે વાત કરતા ઝઘડો થયો હતો. તેથી અજયે મહિલાને અપશબ્દો કહ્યા હતા.

આ અંગેની અદાવતમાં જ ગતસાંજે 6.30 વાગ્યે વિજયાનગર વિભાગ 2 માં રહેતા માથાભારે અજય ઉર્ફે ભજ્જી બાલેરાવ અને તેના બે મિત્રોએ અજયને વિજ્યાનગર વિભાગ 1 ના ગેટ આગળ અટકાવ્યો હતો. અને કેમ બહુ ફોન કરે છે તેમ કહી ઝઘડો કર્યા બાદ ત્રણયે તેની ઉપર ચપ્પુ લઈ તૂટી પડયા હતા. ત્રણેયે ઉપરાછાપરી ઘા ઝીંકતા અજય તેમનાથી બચવા ભાગ્યો તો અજય ભાલેરાવ તેની પાછળ દોડયો હતો અને ચપ્પુના ઘા ઝીંકતા તેને ગંભીર ઇજા થઈ હતી.

ત્રણેય હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત અજયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલા અજયના મોટા ભાઈ કિશોરે ત્રણેય વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. અજય ઉપર હુમલો કરનાર અજય ભાલેરાવ માથભારે છે અને થોડા સમય અગાઉ જ પાસા હેઠળ જેલવાસ ભોગવી છૂટ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here