સુરત : બમ્પ કૂદાવતા પાલિકાની કોન્ટ્રાકટ મહિલા સફાઈ કર્મચારીનું ચાલુ ટ્રેક્ટરે પડી જતા મોત

0
7

સુરત શહેરમાં ઇચ્છાપોર ચોકડી નજીક પાલિકાની કોન્ટ્રાકટ મહિલા સફાઈ કર્મચારી ચાલુ ટ્રેક્ટરે પડી જતા મોતને ભેટી હતી. ઘટના બાદ 108ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. દરમિયાન ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

ટ્રેક્ટરમાં ત્રણ મહિલા સવાર હતી

ઉગત નહેર ખાતે આવેલા એસએમસી આવાસમાં લક્ષ્મીબેન દિનેશભાઇ બાબરીયા (ઉ.વ. 50 ) પરિવાર સાથે રહેતા હતા. પાલિકામાં કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારી તરીકે 2 જાન્યુઆરીથી જોડાયા હતા. ગત રાત્રે સફાઈ કામ દરમિયાન લક્ષ્મીબેન સહિત 3 મહિલા ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેક્ટર ચાલકે બમ્પ કૂદાવતા લક્ષ્મીબેન ટ્રેક્ટરમાંથી પડી ગયા હતા. ગંભીર ઈજાના પગલે 108ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, લક્ષ્મીબેનને મૃત જાહેર કરાયા હતા. લક્ષ્મીબેનના મોતના પગેલ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

એકના એક દીકરાને માતાની છત્રછાયા ગુમાવી

લક્ષ્મીબેનના મોતના પગેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લક્ષ્મીબેનને એકનો એક દીકરો છે. જેથી એકના એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ તો લક્ષ્મીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.