સુરત બાળ તસ્કરી : 125 બાળકોને રાજસ્થાન લઈ જવાયા, 9 બાળકોને કતારગામ ચિલ્ડ્રન હોમમાં રખાયા

0
30

સુરતઃ રવિવારે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સુરત અને રાજસ્થાન પોલીસ તથા એક એનજીઓના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતા 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. 20-25 બાળકોને બે પલંગ મૂકી શકાય એટલા નાના રૂમમાં રાખવામાં આવતાં હતાં તેમજ બહાર જવાની પણ પરવાનગી ન હોવાથી આ બાળકો 2 મહિનાથી રૂમમાં ગોંધાયેલા હતાં. 125 બાળકો રાજસ્થાનનાં અને નવ બાળકો યુપી, બિહાર, ઝારખંડનાં હતાં. જેમાંથી 125 બાળકોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. જ્યારે 9 બાળકોને કતારગામ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આટલા મોટા દરોડા છતાં સુરતમાં એક પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નથી નોંધાયો અને ધરપકડ પણ નથી કરાઈ.

ઘટના શું હતી?

રાજસ્થાનનાં બાળશ્રમિકો પાસેથી માહિતી મળી હતી કે, ઘણાં બધાં બાળકો પૂણામાં અર્ચના સ્કૂલ પાસે સીતારામ નગર નજીકની સોસાયટીઓમાં મજૂરી કામ કરે છે. તેથી પોલીસે પહેલા રાજસ્થાન બાળ આયોગ, બચપન બચાવો આંદોલન અને આસરા વિકાસ સંસ્થાની મદદથી સુરત આવીને ચાઇલ્ડ લાઇનની ટીમ સાથે પુણામાં રેકી કરી હતી. ત્યારબાદ દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ દરોડા વખતે કેટલાક બાળકો સૂતા હતા તો કેટલાક કામ કરી રહ્યા હતા. બાળકોએ ગભરાઈને સંતાઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામની ઉંમર આઠથી 17 વર્ષ છે. આ મજૂરી બદલ તેમના માતા-પિતાને માસિક રૂ. 2,500થી 8,000 આપવામાં આવતા હતા. આ 134માંથી 125 બાળક રાજસ્થાનનાં ઉદયપુર અને પાલીના છે. અહીં ફેક્ટરી માલિકોએ તેમને ગોંધી રાખ્યા હતા. તેમને બહાર નીકળવાની છૂટ ન હતી. બાળકો ભોજન પણ જાતે બનાવતી. બાળકોની સંખ્યા વધુ હોવાથી તેમને નામના બદલે નંબર અપાયા હતા. આ દરમિયાન પોલીસે આઠ પુખ્ય વયના લોકોના નિવેદન લઈને મુક્ત કરી દીધા હતા. રાજસ્થાન પોલીસ 125 બાળકને બે બસમાં બેસાડીને રાજસ્થાન લઈ ગઈ હતી. જ્યારે 9 બાળકને કતારગામ ખાતે આવેલા વૃંદ્ધાવન રણછોડદાસ પોપાવાલ ચિલ્ડ્રેન હોમમાં રાખવામાં આવ્યા છે.

9 બાળકોનું સીડબલ્યુસી દ્વારા કાઉન્સેલીંગ કરાશે

134 બાળકો પૈકી 125 બાળ મજુરોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા છે. જ્યારે યુપી, બિહાર, ઝારખંડના 9 બાળકોને કતારગામ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. જેમનું સીડબલ્યુસી (ચાઇલ્ડ વેલ્ફેર કમિશન) દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવશે. કાઉન્સેલીંગમાં જો કોઇ બાળક દ્વારા મજૂરી સિવાય અન્ય કોઇ ગેરકાનુની કૃત્ય કરાવવામાં આવતું હશે તેવું જણાશે તો તે અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.

ટેક્સટાઈલ ઉદ્યોગમાં બાળકોનો ઉપયોગ થતો

ટેક્સટાઇલ ઉદ્યોગમાં જરદોશી વર્ક, સ્ટીચીંગનો હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરો પાસે કામ કરાવવાનો ચાર્જ વધી જાય છે. જેથી કેટલાક જોબવર્ક કોન્ટ્રાકટરો રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના દેશના અલગ-અલગ રાજ્યોમાંથી બાળકોને સુરત લઇ આવી બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here