સુરત : મોર્ડન વહુના ત્રાસથી કંટાળી 58 વર્ષની સાસુની ફરિયાદ, કોર્ટે કહ્યું, વહુના ત્રાસના કારણે સાસુ ઘરેલુ હિંસાની અરજી કરવા હક્કદાર છે

0
12

ઘરની ચાર દિવાલોની વચ્ચે પણ પરિવર્તનનો વાયરો જબરો ફૂંકાયો છે. થોડા વર્ષો અગાઉ જ્યાં સાસુના ત્રાસની ફરિયાદો વહુઓ કરતી હતી ત્યાં હવે ઘરની માલિક બની ગયેલી વહુઓ સાસુઓને માનસિક અને શારીરિક ત્રાસ આપતી હોવાના બનાવો સામે આવી રહ્યાં છે. નવસારીમાં રહેતી સાસુને તેના જ પુત્રની વહુ પરણીને આવી ત્યારથી માનસિક ત્રાસ આપતી હોવાનું સામે આવ્યું છે. જેથી સાસુ ન્યાયની માંગ સાથે કોર્ટના શરણે પહોંચી છે અને કોર્ટ ત્રાસ આપતી વહુ સામે નોટિસ કાઢવાનો હુકમ પણ કર્યો છે.

એકના એક દીકરાની વહુનો ત્રાસ

દર્શનાબેન પટેલ ઉ.વ. 58 (નામ બદલ્યું છે) (રહે. નવસારી) એ જણાવ્યું હતું કે, એકના એક દીકરાના ત્રણ વર્ષના લગ્ન જીવનને સુખમય બનાવવા ઘણું સહન કર્યું, દીકરાના લગ્નને એક અઠવાડિયામાં જ વહુનો મિજાજ પારખી ગઈ હતી. એજ્યુકેટેડ વહુ આવી હોય એનો અહેસાસ પણ કરી લીધો હતો. હું પણ એક મહિલા છું અને મારી વહુ પણ એક મહિલા જ છે, પણ એના તીખા અને તમતમતા જવાબ અમારી પેઢીની મહિલાઓ (સાસુ) સહન કરે એ વાત માની શકાય નહીં, લેન્ડલોર્ડ પરિવારમાંથી આવી હોવા છતાં મેં ક્યારેય પણ મારી સાસરીમાં નાના હોય કે મોટા એમને જવાબ આપ્યા નથી. આજે મારા પતિ GEBમાં એક્જિક્યુટિવ એન્જિનિયર છે એક સારી પોસ્ટ કહેવાય અને અમે બન્ને એ એકના એક પુત્ર અને એક પુત્રીના ઉછેર અને સંસ્કાર સાથે એજ્યુકેટેડ બનાવવા પાછળ ઘણું યોગદાન આપ્યું છે પછી એનું ફળ વહુના રૂપમાં આવું મળશે એ મારી કલ્પના બહારની વાત છે.

દીકરો પણ વહુની સામે કશુ બોલતો નથી

દર્શનાબહેને કહ્યું કે, મેં ક્યારેય પણ મારી સાસુને આવા શબ્દોથી અપમાનિત કરી ત્રાસ નથી આપ્યો. પણ આજની વહુઓ મોડર્ન બની ગઈ છે. એટલે સંસ્કારો અને ભારતીય સંસ્કૃતિ ભૂલી ગઈ હોય એમ કહી શકાય છે. એટલે ઘરેલુ હિસા પીડિત સાસુઓએ હવે બહાર આવી ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવવા મજબૂર બનવું પડ્યું છે. તારી મમ્મી ડાકણ કરતા પણ જાય એવી છે છતાં મારો દીકરો કશું ન બોલ્યો, મારા છોકરાને (પૌત્ર) અડવાનું નહિ, સાહેબ 58 વર્ષમાં ક્યારેય આવું સાંભળ્યું નથી કે મેં વહુ બની ને આવું કર્યું હોય.

વહુના ત્રાસના કારણે કોર્ટનું શરણ લીધું

મોર્ડન વહુ આખી સોસાયટીની હાજરીમાં સાસુ ઉપર હાથ ઉપાડે અને તમામ આશ્ચર્યમાં પડી જાય એવા દિવસ જ જોવાના બાકી હતા. સાહેબ આજ દિન સુધી મારા પિતા કે પતિ કે પછી મારા બાળકોએ પણ મારી ઉપર હાથ ઉપાડવાની વાત તો દૂર રહી ઉંચા અવાજથી વાત પણ નથી કરી. ને હું વહુનો ત્રાસ સહન કરી કાલે સારા દિવસ આવશે એની રાહ જોઈ રહી હતી. પણ આખરે મને વહુ એ જ મજબૂર કરી એટલે ન્યાય માટે કોર્ટના શરણે જવું પડ્યું તેમ ભીની આંખે દર્શનાબેહેને કહ્યું હતું.

ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી અપાઈ

લગ્નના ત્રીજા જ દિવસે વહુ, સાસુ બનીને ઘરને ચલાવતી હોય એવો રુઆબ જોયો છે. ઘરકામને લઈ આખા ઘરને માથે ઉપાડવું, નાની નાની બાબતોમાં સાસુ-સસરાને અપશબ્દોમાં અપમાનિત કરવા, ગાળો આપવી, અને મહેમાનો સામે અપમાનિત કરતી વહુ દુનિયાની રેર વહુ હોય એમ જ કહી શકાય છે. પતિને માતા-પિતાથી અલગ કરવા મારી વહુ અનેક નુસખા અપનાવી ચુકી છે. 2019માં આપઘાતનું નાટક કરી સાસુ-સસરાને ફસાવી દેવાની ધમકી પણ આપી ચૂકી છે. નણંદને ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકવાની ઘટના પણ એક ભાઈ અને મારી વહુના પતિ સામે બની છે. છતાં મારા દીકરાનો સંસાર તૂટી ન જાય તેના ડરથી પત્નીના નાટક જોઈ ચૂપ રહ્યા છીએ. પૌત્રને રમાડવા બાબતે વહુ-સાસુ પર હાથ ઉપાડે એવા કિસ્સા માત્ર ફિલ્મોમાં જોયા હતા પણ મારા જ ઘરમાં એ વાર્તા હકીકતમાં બનતા જોઈ દુઃખ થતું હોવાનું સાસુએ વધુમાં જણાવ્યું હતું.

આંગળીના ટેરવે રમાડતા કોર્ટમાં પહોંચ્યા

દર્શનાબહેને અંતે કહ્યું કેકમાણીનું અભિમાન કે વારસાગત એ સમજવાની જરૂર છે, પણ આવી વહુ જે આંગળીના ટેરવે સાસુને રાખવાની કોશિષ કરતી હોય એ ક્યારેક તો સાસુ બનશે.. પછી એની સાથે આવું થશે ત્યારે જ એનો અહેસાસ થશે તેને, ફાર્મસીમાં અભ્યાસ કરતી બહેનને રક્ષા બંધન નિમિતે કઈ ગિફ્ટ આપવી એ બાબતે પણ પતિ સાથે લડાઈ કરવી, મારાથી મારા છોકરાનું ભોજન પણ ન બનાવાય, બોલો આવી વહુ ક્યાંય જોઈ છે ખરી, આ તમામ બાબતો વેવાઈને કરી તો એ લોકો આ વાતને માનવા જ તૈયાર નથી. પણ અમારી સોસાયટીના તમામ લોકો અમારી મોર્ડન વહુ અને એના તેવરથી વાકેફ છે, એટલે જ કંટાળીને આખરે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે બસ મને ન્યાય મળે એ જ મારી અપેક્ષા છે.એડવોકેટ પ્રીતિ જોશીની દલિલ સાંભળી ત્રીજા અધિક ચીફ જયુ. જજએ કેસ દાખલ કરી વહુને નોટિસ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here