સુરતઃ ખટોદરા પોલીસ મથકમાં થયેલા કસ્ટોડીયલ ડેથના આરોપી પકડાયા નથી ત્યાં અમરોલી પોલીસ મથકની પીએસઆઇ સંગીતા કારેણાએ મારામારીના ગુનામાં ધડપકડ કરવામાં આવેલા એક યુવકને પટ્ટા વડે બેફામ માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને પગલે મહિલા પીએસઆઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મારામારીના ગુનામાં આરોપી પકડાયેલા
ઘટના અંગે મળતી માહિતી મુજબ રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ દીનાનાથ પાંડે સહિત 4ની અમરોલી પોલીસે મારામારીના ગુનામાં ધરપકડ કરી હતી બાદમાં ગુરુવારે સવારે કોર્ટમાં રજૂ કરતા પહેલા મહિલા પીએસઆઈએ અનિલને પટ્ટા વડે ફટકાર્યો હતો.જેને પગલે અનિલને શરીર પર સોળ પડી ગયા હતા.બાદમાં પોલીસ દ્વારા અનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે અનિલ અને અન્ય 3ને જામીન મુક્ત કર્યા હતા.અનિલ જામીન મુક્ત થતા જ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને સારવાર કરાવતા આખો મામલો સપાટી પર આવ્યો હતો.
દમનની વધુ એક ઘટના
અનિલના શરીર પર ઇજાના નિશાન જોતા માર મારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાતા મહિલા પીએસઆઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ખટોદરા પોલીસ મથકમાં પોલીસ મારથી યુવકના મોતની ઘટનાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યારે પોલીસ દમનની વધુ એક ઘટના સામે આવતા પોલીસની છબી ખરડાઈ રહી છે.