સુરત : લોકડાઉન દરમિયાન 37000 વાહનો ટોઇંગ કર્યા અંગેનો ટ્રાફિક DCPનો દાવો ખોટો, ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કરેલ છે

0
20

સુરત શહેરમાં લોકડાઉન દરમ્યાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઈ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમ ચૂકવણી થઈ હતી. જેથી આરટીઆઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહ મંત્રાલયમાં કરેલી ફરિયાદ પછી સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નરને સોંપવામાં આવી હતી. દરમિયાન ગત 22 સપ્ટેમ્બરના રોજ ટ્રાફિક ખાતાના નાયબ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરીષદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા અંદાજે 37000 જેટલા વાહનો ડીટેન કરીને ટોઇંગ કરવામાં આવેલ હતા. જે કામગીરી સામે અગ્રવાલ અજેન્સીને બીલ ચૂકવામાં આવેલ છે. જોકે, આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, ડીટેન કરવામાં આવેલ વાહનો પૈકી ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કરેલ છે. જે પેટે રૂ. 5900નો દંડ પણ વસૂલ થયેલ છે.

લોકડાઉનના સમયગાળામાં માત્ર 8 વાહનો ટોઈંગ કરાયા

ફરિયાદી અને આરટીઆઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા કરેલી આરટીઆઈ અરજીમાં મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ જવાબમાં ખુલાસો થયો છે કે, લોકડાઉન દરમિયાન 37000 વાહનો ડીટેન કરવામાં આવેલ નથી અને લોકડાઉનના સમયગાળામાં ડીટેન કરવામાં આવેલ વાહનો પૈકી ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદથી ટોઇંગ કરવામાં આવ્યા છે. જે પેટે રૂ. 5900નો દંડ પણ વસીલ કરવામાં આવ્યો છે.

ટોઈંગ ક્રેન કંપનીને જંગી રકમની ચૂકવણી થઈ હતી

લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયના વાહનો રસ્તા પર ખૂબ ઓછા હોવા છતાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 22 જેટલી ક્રેન પેટે કરોડો રૂપિયાની ચૂકવણી કરી ભ્રષ્ટાચાર કરી હોવાની ફરિયાદ થઈ હતી. જેથી ગભરાયેલા પ્રશાંત સુમ્બે આઈ.પી.એસ, નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક પોલીસ દ્વારા પત્રકાર પરીષદમાં સ્પષ્ટતા આપી હતી કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન 37000થી પણ વધારે વાહનો ડીટેન કરીને નજીકના ગોડાઉનમાં ટોઇંગ ક્રેનના મદદથી ટોઇંગ કર્યા છે. જેથી અગ્રવાલ અજેન્સીને બીલ પેટે નાણા ચૂકવાપાત્ર છે. જોકે, RTIમાં મળેલ નવા જવાબ મુજબ આ પ્રકારની કોઈ ટોઇંગ થયેલ નથી. જ્યારે ટોઇંગ ક્રેનના વધારો પણ ન કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.