સુરત : પાલિકાની તિજોરી ખાલી થતા આગામી 3 મહિનાના ખર્ચ માટે 500 કરોડની માંગણી

0
0

કોરોનાકાળ દરમિયાન સંક્રમણ અટકાવવા વિવિધ કામગીરી માટે અત્યાર સુધીમાં સુરત મહાનગર પાલિકા દ્વારા રૂા.220 કરોડનો ખર્ચ થઇ ગયો છે. જો કે પાલિકાની તિજોરી ખાલી થઇ જતા આગામી 3 મહિનાના ખર્ચને પહોંચી વળવા માટે 500 કરોડની માંગણી કરી છે.

એક મહિનાથી સુરતમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. જેના માટે સુરત પાલિકાએ રાજ્ય સરકાર પાસે 500 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ગત વર્ષે આ સમયે દૈનિક 250થી 300 કેસ નોંધાતા હતા. જેની સામે હાલમાં 2000ની આસપાસ કેસ આવી રહ્યા છે. જેથી જે એક વર્ષમાં 220 કરોડનો ખર્ચ થયો હતો, તેની સામે હવે માત્ર 3 મહિનામાં જ 500 કરોડનો ખર્ચ થવાની ગણતરી છે.

આ 3 મહિના બાદ સ્થિતિ એવીને એવી જ રહી તો વધુ ખર્ચ પણ થશે. ગયા વર્ષે કોરોના પાછળ એક મહિનામાં 18 કરોડ ખર્ચાયા હતાં. આગામી એક મહિના માટે 167 કરોડ ખર્ચનો અંદાજ છે. આગામી મહિનાથી ઓક્સિજન તેમજ ટેસ્ટિંગ કીટ માટે વધુ ખર્ચ થાય તેવો અંદાજ છે.

સંક્રમણ વધતાં સૌથી વધુ ખર્ચ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર માટે થશે
આ વખતે સંક્રમિતોની સંખ્યા વધતા સૌથી વધુ ખર્ચ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર માટે થશે તેવો પાલિકાને અંદાજ છે. આ સાથે ઓક્સિજનની સપ્લાઇ અને વ્યવસ્થા પાછળ સૌથી વધુ પૈસાની જરૂર પડે તેવો પણ અંદાજ લગાવાયો છે.

અન્ય ખર્ચમાં કોવિડને લગતી વિવિધ દવાઓની ખરીદી, રેપિડ ટેસ્ટ કીટ, રેપિડ ટેસ્ટ સેન્ટર, વધુ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાં, ધન્વંતરી રથ, સંજીવની વાનની ગાડીઓના ભાડા, માઇક્રો કન્ટેઇનમેન્ટ, કોન્ટ્રાક્ટ પર મુકાયેલા મેડિકલ ઓફિસર, નર્સ સહિતના કર્મચારીઓના પગાર તેમજ કરાર આધારિત ખાનગી હોસ્પિટલોમાં બેડ દીઠ ચુકવણી સંદર્ભે ખર્ચ થનાર છે.

વર્ષ દરમિયાન ઓક્સિજન પાછળ માત્ર 2 કરોડનો ખર્ચ થયો હતો

  • રેપિડ ટેસ્ટ પાછળ 60 કરોડથી વધુનો ખર્ચ થયો હતો.
  • લોકડાઉનમાં શ્રમિકોને ફુડપેકેટ-ભોજન માટે 20 કરોડ
  • સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી, જે પાછળ 20 કરોડ રૂપિયા ખર્ચાયા હતાં.
  • પાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યાં હતાં. તમામ હોસ્પિટલો પાછળ 10 કરોડનો ખર્ચ થયો હતો.
  • વર્ષ દરમિયાન ઓક્સિજન માટે 2 કરોડ ખર્ચાયા હતાં.
  • ટ્રાન્સપોર્ટેશન માટે 1.31 કરોડનો ખર્ચ થયો હતો.
  • સિક્યોરિટી પાછળ 2.31 કરોડનો ખર્ચો થયો હતો.
  • સેન્ટ્રલ મેડિકલ સ્ટોર, ધન્વંતરી રથ, કોન્ટ્રાક્ટ હેઠળ લેવાયેલા કર્મીઓનો પગાર પાછળ ખર્ચ થયો હતો.

વેરા સિવાય પાલિકા પાસે અન્ય કોઇ આવક નથી
પાલિકા પાસે આવકનો મુખ્ય સ્ત્રોત એક માત્ર વેરો છે. જેમાં મિલકતવેરો, પ્રોફેશનલ ટેક્સ, વ્હીકલ ટેક્સમાંથી વર્ષે 1050 કરોડની આવક થાય છે. આ આવકમાંથી પાલિકાના કર્મચારીઓનો પગાર-પેન્શનનો ખર્ચ નિકળી જાય છે. પરંતુ નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆતથી જ કોરોનાની સ્થિતિ બગડતાં આવક પર સીધી અસર થઇ છે.

​​​​​​​બીજી તરફ જકાતની આવક બંધ થયા બાદ પાલિકા કેપિટલ ખર્ચ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર છે. જેથી કોવિડના ખર્ચા માટે ફરી એકવાર રાજ્ય સરકાર પાસે રૂપિયા માંગવાની ફરજ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here