સુરતઃ મહુવા તાલુકામાં પણ અન્ય તાલુકાની માફક દારૂબંધીના કડક અમલ માટે ઉચ્ચસ્તરીય દબાણ આવતા મહુવા પોલીસ હરકત માં આવી દારૂના અડ્ડાઓ પર રેડ કરીને બુટલેગરો પર કેસો કરી રહી છે. ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા દારૂની બદીને નાથવા શકમંદો તેમજ લિસ્ટેડ બુટલેગરોના ઘરો તેમજ રસ્તાઓ પર જીઆરડી તેમજ પોલીસકર્મીઓને તૈનાત કરી દેતા બુટલેગરોની ઊંઘ હરામ થઈ જવા પામી છે. હાલ સમગ્ર તાલુકા સહિત જિલ્લામાં મહુવા પોલીસની આ કામગીરીની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રોહીના ગુનામાં સસ્પેન્ડ થતાં પોલીસકર્મીની બીકને કારણે મહુવા પોલીસે નવી તરકીબ અજમાવી છે.
સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાયો
પ્રાપ્ત વિગત મુજબ ઉચ્ચસ્તરીય તંત્ર દ્વારા દારૂબંધીનાં કડક અમલ માટે સૂચના અપાઈ છે, અને દારૂના જથ્થા પકડાવાની સાથે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાના બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસકર્મીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાવા પામ્યો છે. મહુવા તાલુકામા પણ વિજિલન્સ એલસીબી તેમજ આરઆરસેલની ટીમ દ્વારા ધામો નાખી દેશી વિદેશી દારૂના કેસો કરવામાં આવે છે. જેથી સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો છે.મ હુવા પોલીસ પણ છેલ્લા કેટલાક દિવસોથી અચાનક જ દારૂબંધીનાં અમલ માટે હરકતમાં આવી ગઈ છે. મહુવા પોલીસે તાલુકાના ગામોમાં દારૂના અડ્ડાઓ પર રેડ કરી થોડા જ દિવસોમાં ઢગલેબંધ કેસો કરી બુટલેગરો પર કાયદેસરની કાર્યવાહી કરી છે.
દારૂ વેપલા સામે અસરકારક લગામ લગાવી
આ મહુવા પોલીસની દારૂબંધી સામે કડક કાર્યવાહી બુટલેગરોના માનીતાઓને આંખમાં કણાની જેમ ખૂંચી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ મહુવા પોલીસ દ્વારા આ દારૂની બદીને નાથવા નવી તરકીબ અજમાવી છે અને નવી ભરતી પામેલ 161 જેટલા જીઆરડી કર્મીઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલોને પીએસઆઈ યુ.એ.ચૌધરીની આગેવાનીમાં દારૂનો વેપલો કે હેરાફેરી કરનારાઓ લિસ્ટેડ બુટલેગરો તેમજ અન્ય બુટલેગરોના ઘરો દુકાનો નજીક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આ બંદોબસ્ત ગોઠવી દારૂ વેપલા સામે અસરકારક લગામ લગાવી દીધી છે.હાલ મહુવા પોલીસકર્મીઓ દારૂના વેપલાને બંધ કરાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એજન્સી દ્વારા કેસ કરીને સસ્પન્ડ થવાની બીકે પગલાં ભર્યા હોવાનું લોક ચર્ચા ચાલી રહી છે.
દમણથી વાયા મહુવા દારૂની હેરાફેરી પર લગામ
મહુવા પોલીસે દારૂબંધીના અમલ માટે તબક્કાવાર આયોજન હાથ ધરતા જ દમણ થી મહુવા વાયા થઈને થતી હેરાફેરી પર પણ અંશતઃ લગામ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઠેરઠેર પોલીસની નાકાબંધીથી દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ પણ રસ્તો બદલી મહુવામાંથી પસાર થવાનું ટાળી રહયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જાગૃત સ્થાનિકો મહુવા પોલીસની દારૂબંધી માટે આવી જ કામગીરી ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
વિજીલન્સ, આરઆરસેલ સતર્ક
મહુવા પોલીસ મથક વિસ્તારમાં ગત જૂન માસે 51 દેશી વિદેશી દારૂના કેસો નોંધાયા હતા જેમા વિજિલન્સે 2 કેસો,આરઆરસેલે 2 કેસો અને સ્થાનિક પોલીસે 47 કેસો કર્યા છે.મહુવા તાલુકામા અન્ય એજન્સીનો ધામો છે, અને દારૂનો મોટો કેસ થાય તો સસ્પેન્ડ થવાનો પણ વારો આવે છે જે બીકે પોલીસે બુટલેગરોને ત્યાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હોવાનુ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.
વોન્ટેડ બુટલેગરોની ધરપકડ શરૂ
મહુવા પોલીસ દ્વારા બુટલેગરોને ત્યાં જીઆરડી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વોન્ટેડ બુટલેગરોને ત્યાં 24 કલાક સિફટ વાઈઝ ત્રણથી વધુ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી વોન્ટેડ બુટલેગરોને પણ ઝબ્બે કરવાની કવાયત આદરી છે.
વિવિધ રસ્તાઓ બ્લોક કરી દેવાયા
દારૂબંધીનાં કડક અમલ માટે મહુવા પોલીસ સતત પ્રયત્નશીલ છે. હાલ દારૂ વેપલા કરનારા અને લિસ્ટેડ બુટલેગરોના ઘર નજીક તેમજ દારૂની હેરાફેરી થાય એવા રસ્તાઓ પર જીઆરડી તેમજ પોલીસ દ્વારા વોચ ગોઠવી દારૂબંધી ના કડક અમલ માટે કામગીરી હાથ ધરી છે. તેમજ પ્રજાના હિત માટે દારૂના વેપલા સહિત ગેરકયદેસારની પ્રવૃત્તિ રોકવા માટે મહુવા પોલીસની કામગીરી ચાલુ જ છે.
– યુ.એ. ચૌધરી, પીએસઆઈ, મહુવા