સુરત : કેસ વધ્યા તો આગામી સમયમાં તબીબી માળખું ભાંગી પડશે

0
2

કોરોનાના વધતા કેસ અને મૃત્યુને પગલે કેન્દ્રીય ટીમ સુરત દોડી આવી હતી. અહીં તેમણે કલેકટર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શહેરમાં કન્ટેન્મેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગ કેવી રીતે થાય છે એનો તાગ મેળવ્યો હતો અને બપોર બાદ વેસુના કન્ટેન્મેન્ટ ઝોન, હોમ આઈસોલેશન, રાંદેરની શેલ્બી હોસ્પિટલ, અઠવાની મિશન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેટલાક માઈક્રો કન્ટેન્મેન્ટ કરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં બરાબર કામગીરી થઈ રહી છે કે નહીં તેની તપાસ કરી હતી. ત્યાર બાદ ટીમે વેકસિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનની કામગીરી પર ભાર આપવા સૂચના આપી હતી.

લોકોને ઘરમાં જ રહેવા તંત્રની અપીલ
કેન્દ્રીય ટીમ સાથેની મીટિંગ પછી કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું કે શહેરમાં જુલાઇ કરતાં હાલમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. રોજના 200થી 250 જેટલા દર્દી દાખલ થાય છે અને મોટા ભાગના દર્દી ઓક્સિજનની જરૂરિયાતવાળા જ હોય છે. જેથી જરૂરી કામ ન હોય તો લોકો ઘરમાં જ રહે. કેસ વધી રહ્યા છે. તેની સામે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી રહ્યો છે, પરંતુ કેસની સંખ્યા જ ઝડપી ગતિએ વધી રહી છે, તેની સામે આગામી દિવસોમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબો સમય ટકી રહે એ માટે આપણે પોતે જ પોતાની મદદ કરીએ. શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળીએ. કિડની હોસ્પિટલમાં 800 બેડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જે એકાદ-બે દિવસમાં શરૂ કરાશે. હાલના સમયે દર્દીઓની સ્થિતિ પણ ગંભીર બની છે. દિલ્હીથી આવેલી ટીમે આરટીપીસીઆર, રેપિડ, વેક્સિનેશન કેવી રીતે કરવામાં આવે છે એની માહિતી લીધી હતી.

ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન મોકલશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોએ જાતે સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનાં ઇન્જેક્શન લેવા જવાનું રહેશે. કોઇપણ દર્દીના સગાએ ઇન્જેક્શન લેવા જવાની જરૂરિયાત નથી. જોકે કલેક્ટરે આ જાહેરાત કરી એ પહેલાં જ સિવિલ હોસ્પિટલમાં સંખ્યાબંધ લોકો ઇન્જેક્શન લેવાની કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. બીજી તરફ કલેક્ટરે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીના સગાને ઇન્જેક્શન લેવા મોકલશે તો તે હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેક ખાનગી હોસ્પિટલે તેમને જોઇતા પ્રમાણમાં ઇન્જેક્શનની માગણી કરવાની રહેશે અને એ મુજબ જ જથ્થો આપવામાં આવશે.

સિવિલમાં દાખલ થતાં પહેલાં મધરાતે સ્ટ્રેચર પર જ ઓક્સિજન લેવો પડ્યો
ધારાસભ્ય હર્ષ સંઘવી ગુરુવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે જ હોસ્પિટલમાં દાખલ થવા આવેલા એક દર્દીને બેડ મળ્યો ન હતો. બેડ ખાલી થવાની રાહમાં દર્દીને સ્ટ્રેચર પર જ હોસ્પિટલ બહાર ઓક્સિજન આપવાની ફરજ પડી હતી.

સૂતેલી માને તડકો ન લાગે એટલે સતત અડધો કલાક સુધી ફાઇલ આડે ધરી છાંયો આપ્યો.
સૂતેલી માને તડકો ન લાગે એટલે સતત અડધો કલાક સુધી ફાઇલ આડે ધરી છાંયો આપ્યો.

સ્ટ્રેચર પર સૂતેલી માને તડકો ન લાગે એટલે સતત અડધો કલાક સુધી ફાઇલ આડે ધરી છાંયો આપ્યો
કોવિડ-19 હોસ્પિટલમાં કમળાબેન ગોહિલ નામની વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સ બપોરે 2 વાગ્યે લઈને આવી હતી. 108 એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજન બોટલ સાથે વૃદ્ધાને ઉતારવામાં આવી હતી. વૃદ્ધા સ્ટ્રેચર પર હતી અને પોતાના દીકરા સાથે વાત કરવા પ્રયાસ કરી રહી હતી. દીકરાનો હાથ પકડી કહેવા પ્રયાસ કરી રહી હતી કે મારી ચિંતા ન કરતો, તારો ખ્યાલ રાખજે. હોસ્પિટલ બહાર સ્ટાફની રાહ જોઈ રહેલા દીકરાનો હાથ પકડી શ્વાસ ભરી રહેલી વૃદ્ધા ભર ગરમીમાં આંખો ખોલી શકે એમ ન હોવાથી હોસ્પિટલની ફાઈલ ધરીને વૃદ્ધાના ચહેરા પર છાંયડો કરવામાં આવ્યો હતો. સ્વજને અડધો કલાક આમ જ વૃદ્ધાને છાંયડો કર્યો હતો.

ગુરુવારે 28,592ને રસી મુકાઈ, 75 હજારથી વધુ રસી ઉપલબ્ધ
બુધવારે રસીનો સ્ટોક ઓછો હોઈ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. ગુરુવારે રાબેતા મુજબ રસીકરણ હાથ ધરાયું છે કુલ 28,592 લોકોએ રસી મુકાવી છે. અત્યારસુધીમાં કુલ 6,42,952 લોકોએ રસી મુકાવી દીધી છે. પાલિકાના વેક્સિન મુખ્ય સ્ટોર ખાતે રસીનો સ્ટોક 75 હજારથી વધુ ઉપલબ્ધ હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું છે.

અડાજણમાં જનતા કર્ફ્યૂનાં બેનર
અડાજણ વિસ્તારના એલ.પી. સવાણી રોડ ખાતે કોર્પોરેટર સહિત સ્થાનિક આગેવાનો દ્વારા જનતા કર્ફ્યૂનાં બેનર લગાવી રસ્તો બંધ કરાયો હતો.

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સંખ્યા વધારીને 80 કરાઇ
પાલિકાએ બેડની અછત ઊભી નહીં થાય એ માટે તૈયારી હાથ ધરી દીધી છે. તેમાં અગાઉ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં વધારો કરતાં હવે કુલ 80 હોસ્પિટલોને માન્યતા આપવામાં આવી છે. તેથી પાલિકા માન્યતાપ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 3380 થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here