સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની સામે હત્યાની ઘટના સામે આવી છે. કારમાં સવાર આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવ પર હુમલો કરી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ચપ્પુના ધા મારી અજાણ્યા ઈસમો ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોરોના હાથે ઘવાયેલા ઇજાગ્રસ્ત સિદ્ધાર્થને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન સિદ્ધાર્થ રૂપિયા લેવા સુરત આવ્યો હતો અને રૂપિયાની લેતીદેતીમાં જ હત્યા થઈ હોવાની શક્યતા છે.
ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી હત્યા
સીકે પટેલ (એસીપી) એ જણાવ્યું હતું કે, મૃતકનું નામ સિદ્ધાર્થ સંદીપભાઈ રાવ (ઉ.વ. 32) હોવાનું હાલ બહાર આવ્યું છે. પાર્કિગમાં કાર પાર્ક કરતા જ અજાણ્યા ઈસમોએ હુમલો કરી સિદ્ધાર્થને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. હાલ સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
રૂપિયાની લેતીદેતીમાં હત્યાની આશંકા
આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈને સુરત રૂપિયા લેવા આવ્યો હતો. દરમિયાન આજે સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલાના પાર્કિંગમાં કાર ઉભી રાખતાની સાથે જ પાંચથી છ ઈસમો ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સિદ્ધાર્થને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
કુખ્યાત સામે ફરિયાદ કરતા પણ લોકો ડરતા હતા
ખંડણી, અપહરણ, લૂંટ અને ધમકી આપવી વગેરે જેવા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગુંડા સિદ્ધાર્થ રાવની સુરતમાં હત્યા કરવામાં આવી છે. આ પહેલાં પોલીસે લૂંટના ગુનામાં ઝડપી તેનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. આ સાથે પોતાનો ખૌફ બતાવી લોકોને ડરાવી રહેતા કહેવાતા આ ગુંડાને જાહેરમાં પોલીસે ઉઠ-બેસ કરાવી હતી. વિદ્યાનગરમાં છેલ્લાં કેટલાંય સમયથી સિદ્ધાર્થ રાવનો ખૌફ એટલો છે કે તેના વિરૂદ્ધ ફરિયાદ કરતાં પણ લોકો ડરી રહ્યા હતા. થોડા મહિના પહેલાં સિદ્ધાર્થ રાવ સહીત ત્રણ જણાને અમદાવાદ શહેરની ઓઢવ પોલીસે દેશી તમંચા અને ચાર કારતુસ સાથે ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.